– લોકલ વાહન ચાલકો પાસેથી ટોલ ઉધરાવતા સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો
– વિરોધને પગલે હાઇવે પર ટ્રાફિક જામના દ્રશ્યો
સુરત,તા.3 ફેબ્રુઆરી, શુક્રવાર : સુરતના કામરેજ ટોલપ્લાઝા પર ફરીવાર લોકલ વાહન ચાલકો પાસેથી ટોલ ઉઘરાવાના મામલે હોબાળો થયો હતો.ત્યારે આ મામલે રોષે ભરાયેલા લોકો મોટી સંખ્યામા એકઠા થયા હતા.અને વિરોધ નોંધાયો હતો.જેને પગલે પોલીસ કાફલાએ સ્થળ પર પહોંચી મામલો થાળે પાડયો હતો.તો બીજી તરફ બનાવને પગલે થોડા સમય માટે ટોલ પ્લાઝા બંધ થતાં ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા.
સુરતના કામરેજ નજીક આવેલ ટોલ નાકા પર સ્થાનિક લોકલ વાહન ચાલકો પાસેથી ટોલ ઉઘરાવવામાં આવતા સ્થાનિકો મોટી સંખ્યામાં એકઠા થયા હતા અને વિરોધ કર્યો હતો.અહી ટોલમાંથી સ્થાનિકોને મુક્તિ આપવાની માંગ કરવામાં આવી હતી પરંતુ NHAI એ 5 તારીખથી લોકલ વાહન ચાલકો પાસે ટોલ ઉઘરાવવાનું નક્કી કરી જી.જે.5 અને જી.જે.19 લોકલ વાહન ચાલકો પાસે 50 ટકા ટોલ ઉઘરાવવાનું નક્કી કરાયું હતું.જેને લઇ આ વિરોધનો સૂર ઉઠવા પામ્યો હતો.અને મોટી સંખ્યામાં લોકો એક સાથે થઈ જતા ટ્રાફિકજામના પણ દ્રશ્યો સર્જાયા હતા.ઘટના અંગે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને કાર્યવાહી કરવાની ફરજ પડી હતી.
કામરેજ તાલુકાનાં ચોર્યાસી ગામ પાસે રાષ્ટ્રીય ધોરીમાર્ગ 48 પર આવેલા ટોલનાકા પર ટોલટેક્સ ઉઘરાવાનો કોન્ટ્રાકટ IRB કંપની પાસે હતો.જેનો 6 માસ પહેલા કોન્ટ્રાકટ રદ થતા હાલ આ ટોલનાકુ નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા પાસે છે.જેથી NHAI હાલ ટોલ ઉઘરાવાની જવાબદારી ખાનગી કંપનીને આપી છે.રાષ્ટ્રીય ધોરીમાર્ગના જી.આર મુજબ કોઈપણ વાહનોને ટોલમાંથી મુક્તિ આપવામાં આવી નથી પરંતુ આઇ આર દ્વારા GJ-5 અને GJ-19 પાર્સિંગના વાહનો માટે ટોલ માફી આપવામાં આવી હતી પરંતુ હવે IRBનો કોન્ટ્રાકટ પૂરો થતા નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા સરકારના જી આર મુજબ ફરીથી આગામી 5 ફેબ્રુઆરીથી તમામ વાહન ચાલકો માટે ટોલ ઉઘરાવવાનું ફરજિયાત કર્યું છે.
પોલીસે જણાવ્યું હતું કે કામરેજ ટોલનાકા પર 315ના પાસની પદ્ધતિ છે.તેનો વિરોધ કરવા માટે લોકો ભેગા થયાનો મેસેજ મળ્યો હતો.જેથી પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી.અહી ટ્રાફિક જામ હતો.જે દુર કરવામાં આવ્યો હતો અને સમગ્ર મામલો હાલ થાળે પાડ્યો છે.