કુખ્યાત ગેંગસ્ટર પ્રસાદ પૂજારીની હોંગકોંગમાં અટકાયત

107

– ઈન્ટરપોલે આપી માહિતી : પૂજારીને ભારત લાવવા સરકારે હાથ ધરેલો પ્રયાસ

મુંબઈ, તા. 28 ફેબ્રુઆરી 2023, મંગળવાર : ગેંગસ્ટર પ્રસાદ પૂજારીની હોંગકોંગમાંથી અટકાયત કરવામાં આવી છે.ઈન્ટરપોલે આ અંગે માહિતી આપી હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.પૂજારીને ઈન્ટરપોલ દ્વારા ચીનની લા એન્ફોર્સમેન્ટ એજન્સીને આપવામાં આવેલી માહિતીના આધારે હોંગકોંગમાં અટકાયતમાં લેવામાં આવ્યો હોવાનું કહેવાય છે.ગુંડો સુભાષ વિઠ્ઠલ પૂજારી ઉર્ફે પ્રસાદ પૂજારી કુમાર પિલ્લઈની ગેંગનો વિશ્વાસુ સભ્ય અને સેકન્ડ-ઈન-કમાન્ડ હતો. તેણે ચીનની મહિલા સાથે લગ્ન કર્યા છે અને તેને પાંચ વર્ષનો પુત્ર છે.પ્રસાદને દેશમાં લાવવા માટે ભારત સરકાર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. સરકાર દ્વારા પ્રક્રિયા શરૃ કરવામાં આવશે તેવી માહિતી સૂત્રોએ આપી છે.પરંતુ ભારતની ચીન સાથે પ્રત્યાર્પણ સંધિ નથી,તો હવે આ પ્રક્રિયા કેવી રીતે પૂર્ણ થશે? તે જોવું મહત્વપૂર્ણ રહેશે.

દરમિયાન, મુંબઈ શહેરમાં પૂજારી વિરુદ્ધ ડઝનેક કેસ નોંધાયેલા છે. ૨૦૨૦માં વિક્રોલીમાં એક બિલ્ડરને ધમકાવવા અને તેની પાસેથી ૧૦ લાખ રૃપિયાની માંગણી કરવા બદલ પૂજારી અને તેના સાથીદારો સામે ખંડણીનો કેસ નોંધવામાં આવ્યો હતો.મુંબઈ પોલીસ ઘણા દિવસોથી ગેંગસ્ટર પ્રસાદ પૂજારીની શોધખોળ કરી રહી હતી.પૂજારીએ એક ચીની મહિલા સાથે લગ્ન કર્યા છે.તે હોંગકોંગથી પત્ની સાથે શેનઝેન જઈ રહ્યો હોવાની પોલીસને માહિતી મળી હતી.પછી અધિકારીઓએ છટકું ગોઠવ્યું અને તેની અટકાયત કરી હતી. સૂત્રોએ માહિતી આપી હતી કે પૂજારી ચીનના ગ્વાનગડોંગના શેનઝેન શહેરમાં રહેતો હતો.ભારત સરકાર પૂજારીને આપણા દેશમાં લાવવાનો પ્રયાસ કરી રહી છે.પરંતુ આ માટે ભારતને ઘણી અડચણોનો સામનો કરવો પડી શકે છે.

ગેંગસ્ટર પ્રસાદ પૂજારી પર મુંબઈ અને થાણેમાં ખંડણીના લગભગ ૧૫ થી ૨૦ કેસ, હત્યાનો એક કેસ અને હત્યાના પ્રયાસના ત્રણ કેસ નોંધાયેલા છે.તેની માતા ઈન્દિરાની મુંબઈમાં ખંડણીનું રેકેટ ચલાવવા બદલ ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી હતી.પ્રસાદ પૂજારી ૨૦૨૦ સુધી મુંબઈમાં ખૂબ જ સક્રિય હતો.અગાઉ વિક્રોલીના ટાગોર નગરમાં શિવસેનાના કાર્યકરો પર ગોળીબાર કરવા બદલ ખંડણી વિરોધી સેલ દ્વારા સાગર જાધવ અને અન્ય પાંચની ધરપકડ કરવામાં આવી હતી.ફાયરિંગ કેસની તપાસ દરમિયાન પોલીસને પ્રસાદ પૂજારીની માતા ઈન્દિરાની સંડોવણીની માહિતી મળી હતી. વિક્રોલી (પૂર્વ)ના ટાગોર નગરમાં એક મધ્યમવર્ગીય પરિવારમાં પૂજારીનો જન્મ થયો હતો.તે કુમાર પિલ્લઈના ગુંડા સાથે ફરતો હતો.આ વિસ્તારમાં નાની નાની ઝપાઝપીમાં સામેલ હતો.તેણે ૨૦૦૨ માં ગુનાની દુનિયામાં પ્રવેશ કર્યો હતો.તેણે અન્ય પાંચ સહયોગીઓ સાથે બંટી પાંડેના આદેશ પર ઘાટકોપરમાં મોનિકા બાર અને રેસ્ટોરન્ટના માલિકની હત્યા કરવાનું કાવતરું ઘડયું હતું.

પૂજારીએ અઢી વર્ષ જેલમાં વિતાવ્યા હતા અને બાદમાં અપૂરતા પુરાવાને કારણે સપ્ટેમ્બર ૨૦૦૫માં નિર્દોષ છૂટી ગયો હતો. જેલમાંથી બહાર આવ્યા પછી તરત જ તેણે પિલ્લઈના એક નજીકના સંબંધી સાથે વાત કરી હતી.બાદમાં હોંગકોંગમાં પહોંચી પિલ્લઈ સાથે રહેતો હતો અને તેના વ્યવસાયમાં મદદ કરી હતી.પછી તેણે ભારતમાં પિલ્લઈના માણસોને હેન્ડલ કરવાનું શરૃ કર્યું હતું, એમ ક્રાઈમ બ્રાન્ચના અધિકારીએ જણાવ્યું હતું.ટાગોર નગરમાં શિવસેનાના નેતા ચંદ્રશેખર જાધવને મારવા માટે તેના સાથીદારને મોકલ્યા પછી મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના ખંડણી વિરોધી સેલે ૨૦૧૯માં પૂજારી અને તેના આઠ સહયોગીઓ સામે હત્યાના પ્રયાસનો કેસ નોંધ્યો હતો.આ કેસમાં મુંબઈ,થાણે,મધ્યપ્રદેશ અને દિલ્હીમાંથી પોલીસે આઠ આરોપીની ધરપકડ કરી હતી અને પૂજારી વોન્ટેડ હતો.

Share Now