કેજરીવાલ સામે સૌથી મોટો પડકાર, ૧૮ ખાતાં કોને ફાળવવાં?

69

– સિસોદિયા ચોથી માર્ચ સુધી કસ્ટડીમાં રહેશે,પૂછપરછમાં સહકાર ન આપવાનો આરોપ

નવી દિલ્હી, તા.28 ફેબ્રુઆરી-2023, મંગળવાર : નવી દિલ્હીમાં ગઈ કાલે આમ આદમી પાર્ટીની ઑફિસની બહાર સિસોદિયાની ધરપકડનો વિરોધ કરવા એકત્ર થયેલા આમ આદમી પાર્ટીના સપોર્ટર્સ અને સુરક્ષા-કર્મચારીઓ વચ્ચે અથડામણ થઈ હતી.નવી દિલ્હીમાં ગઈ કાલે આમ આદમી પાર્ટીની ઑફિસની બહાર સિસોદિયાની ધરપકડનો વિરોધ કરવા એકત્ર થયેલા આમ આદમી પાર્ટીના સપોર્ટર્સ અને સુરક્ષા-કર્મચારીઓ વચ્ચે અથડામણ થઈ હતી.દિલ્હીના નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયાની ધરપકડની સાથે જ અરવિંદ કેજરીવાલની સરકાર માટે મુશ્કેલી શરૂ થઈ ગઈ છે, કેમ કે સિસોદિયા પાસે શિક્ષણ,નાણાં અને ગૃહ સહિત ૩૩માંથી ૧૮ વિભાગો છે.

આ પહેલાં ગયા વર્ષે જૂનમાં એ સમયના દિલ્હીના આરોગ્યપ્રધાન સત્યેન્દ્ર જૈનની ધરપકડ કરવામાં આવી હતી.વાસ્તવમાં દિલ્હીની સરકાર આરોગ્ય અને શિક્ષણના ક્ષેત્રમાં વિકાસને જ પોતાની યુએસપી ગણાવી રહી છે અને એના આધારે એ બીજાં રાજ્યોમાં મત માગે છે.હવે કેજરીવાલની પાસે દિલ્હીમાં તેમના શાસનના એજન્ડાના અમલ માટે કોઈ દિગ્ગજ નેતા નથી. કેજરીવાલ માટે સૌથી મોટો પડકાર એ છે કે દિલ્હી સરકાર માટેનું બજેટ કોણ રજૂ કરશે.દરમ્યાન મનીષ સિસોદિયા ચોથી માર્ચ સુધી સીબીઆઇની કસ્ટડીમાં રહેશે.દિલ્હીની અદાલતે ગઈ કાલે આ આદેશ આપ્યો હતો.દિલ્હીની લિકર પૉલિસીમાં ભ્રષ્ટાચાર સંબંધે સિસોદિયાની રવિવારે ધરપકડ કરવામાં આવી હતી.

સીબીઆઇએ દિલ્હીની અદાલતને જણાવ્યું હતું કે મનીષ સિસોદિયા તેમના સવાલના જવાબ આપવાનું ટાળી રહ્યા છે અને લિકર પૉલિસીમાં ઓછામાં ઓછી ૬ વિવાદાસ્પદ જોગવાઈઓ વિશે ખુલાસો આપવામાં નિષ્ફળ ગયા છે. તેઓ વારંવાર તેમનાં સ્ટેટમેન્ટ બદલતા રહે છે. આ ૬ જોગવાઈઓ પહેલાં ડ્રાફ્ટમાં સામેલ નહોતી. સીબીઆઇએ દલીલ કરી હતી કે ૧૦૦ કરોડ રૂપિયાની કટકીના બદલામાં લિકર લૉબીના કહેવાથી આ ફેરફાર કરવામાં આવ્યા હતા.

સિસોદિયાના કમ્પ્યુટરમાંથી એક ડ્રાફ્ટ નોટ મેળવવામાં આવી છે,જેમાં રજૂ કરવામાં આવ્યું છે કે પ્રૉફિટ માર્જિન માટેની જોગવાઈ પાંચ ટકાથી બદલીને ૧૨ ટકા કરવામાં આવી હતી. સીબીઆઇએ આરોપ મૂક્યો હતો કે સિસોદિયાએ કાયદાકીય એક્સપર્ટના અભિપ્રાયને હટાવીને ડ્રાફ્ટ નોટ એક્સાઇઝ કમિશનરને આપી હતી.સિસોદિયા તરફથી ​સિનિયર ઍડ્વોકેટ દયાન ક્રિષ્નને જણાવ્યું હતું કે જો સીબીઆઇના સવાલના જવાબ ન આપવામાં આવે તો એ રિમાન્ડ માટેનો આધાર બની શકે છે.જોકે આ કેસમાં સીબીઆઇ પોતે ઇચ્છે એ મુજબ સિસોદિયા પાસેથી જવાબ મેળવવા ઇચ્છે છે.દરમ્યાન દિલ્હી,બૅન્ગલોર,ચંડીગઢ,ભોપાલ અને અન્ય અનેક શહેરોમાં આમ આદમી પાર્ટીના કાર્યકરોએ સિસોદિયાની ધરપકડની વિરુદ્ધ વિરોધ-પ્રદર્શન કર્યાં હતાં.

મનીષ સિસોદિયા સામે દિલ્હીમાં નવી લિકર વેચાણ પૉલિસી ઘડવા અને એના અમલમાં ભ્રષ્ટાચાર કરવાનો આરોપ છે.સીબીઆઇની દલીલ છે કે ૨૦૨૧ની આ પૉલિસી ઘડવામાં લિકર કંપનીઓ સંકળાયેલી હતી,જેને માટે લિકર લૉબી દ્વારા કટકી આપવામાં આવી હતી.

Share Now