અતિક અહેમદની ભયાનક ક્રાઈમ કુંડળી : ચૂંટણીમાં હરાવનારની હત્યા, ગેંગમાં રાખતો પગારદાર શૂટર

150

– અતિક અપક્ષ તરીકે જીતીને પહેલીવાર ધારાસભ્ય બન્યો હતો, 1991થી 1993માં અપક્ષ તરીકે જીતીને હેટ્રિક નોંધાવી હતી
– ખતરનાક માફિયા રાજકારણી ગણાતા અતિક અહમદ સામે 120થી વધુ કેસ, ખૂન, ધાડ, અપહરણ, ખંડણી, ઠગાઈ સહિતના અનેક ગુના

ઉત્તર પ્રદએશના ખતરનાક માફિયા રાજકારણી ગણાતા અતિક અહેમદને આજે અમદાવાદના સાબરમતી જેલમાંથી પ્રયાગરાજ લઈ જવાના માટે ઉત્તર પ્રદેશની પોલીસ રવાના થઈ છે.તેને ઉમેશ પાલ હત્યા કેસ અંગે પૂછ પરછ કરવા પ્રયાગરાજ રઈ જવાઈ રહ્યો છે.અતિક અહેમદ પર માત્ર ઉમેશ પાલની હત્યાનો કેસ જ નહીં ખૂન,ધાડ,અપહરણ,ખંડણી,ઠગાઈ સહિતના અનેક ગુના નોંધાઈ ચુક્યા છે.અતિક અહમદ સામે 120થી વધુ કેસ છે.

ઉમેશ પાલની ફિલ્મી સ્ટાઈલે હત્યા

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ઉમેશ પાલની બિલકુલ ફિલ્મી સ્ટાઈલમાં થયેલી હત્યાએ ખળભળાટ મચાવ્યો છે.મશીનગનો સાથે ત્રાટકેલા છ હુમલાખોરોએ અંધાધૂંધ ગોળીઓ વરસાવીને અને બોમ્બ ફેંકીને માત્ર ૪૭ સેકન્ડમાં તો પાલનો ખેલ ખતમ કરીને ફરાર થઈ ગયા.ઉમેશ પાલના રક્ષણ માટે ગનમેન સતત તેની સાથે રહેતો પણ હુમલાખોરોએ એવું જડબેસલાક પ્લાનિંગ કરેલું કે બચાવની તક જ ના મળી.હુમલાખોરોએ પોતાના બચાવ માટે ગોળીઓ વરસાવી અને બોમ્બ ફેંક્યા,બાકી ઉમેશ પાલ તો પહેલી ગોળીમાં જ ઢળી પડયા હતા.આ ઘટનાના રાજકીય રીતે પણ ઘેરા પ્રત્યાઘાત પડયા છે કેમ કે ઉમેશ પાલ ૨૦૦૫માં પ્રયાગરાજમાં થયેલી બસપાના ધારાસભ્ય રાજુ પાલની હત્યાના કેસમાં મુખ્ય સાક્ષી હતા.રાજુ પાલની હત્યાના કેસમાં યુપીનો કુખ્યાત ગેંગસ્ટર કમ રાજકારણી અતિક અહમદ મુખ્ય આરોપી છે.અતિક અહમદ ગેંગ ઉમેશ પાલને પણ પતાવી દેશે એ ખતરો હોવાથી તેને પોલીસ રક્ષણ અપાયેલું.ગનમેન રાઘવેન્દ્ર સતત તેમની સાથે રહેતો હતો.

હુમલાખોરે ઘરમાં ઘૂસીને ગોળીઓ મારી

ઉમેશ પાલ શુક્રવારે સાંજે પાંચેક વાગ્યે કારમાં બહાર જવા નિકળ્યા હતા.કાર ઘરની બહાર નિકળી પછી પાલ દરવાજો બંધ કરવા બહાર નિકળ્યા કે તરત એક હુમલાખોરે નજીક આવીને ગોળી મારી દીધી હતી.ઘાયલ ઉમેશ પાલ ઘર તરફ ભાગ્યા તો હુમલાખોરે ઘરમાં ઘૂસીને ગોળીઓ મારીને તેમનો ખેલ ખતમ કરી નાંખેલો.ગનમેન રાધવેન્દ્રે બહાર નિકળીને ગન તાકી તો તેના પર પણ ધડાધડ ગોળીઓ વરસવા માંડી.સફેદ કલરની કાર અને લાલ રંગના બાઈક પર આવેલા છ હુમલાખોરોના ગોળીબારમાં ગનમેન પણ ઘાયલ થઈ ગયો હતો.હુમલાખોરોએ ગનમેનને જવા દીધો કેમ કે તેમનો ઈરાદો ઉમેશ પાલને મારવાનો જ હતો.ઉમેશ પાલ પણ દબંગ નેતા છે તેથી ઘરે રક્ષણ માટે માણસો રાખેલા છે.તેના માણસો પીછો ના કરે એટલે ડર પેદા કરવા હુમલાખોરો અંધાધૂંધ ગોળીઓ વરસાવતા ને બોમ્બ ફેંકતા ફેંકતા છૂ થઈ ગયા.

ઉમેશ પાલની હત્યા બાદ અખિલેશ અને યોગી વચ્ચે ઉગ્ર બોલાચાલી

યુપીમાં આ ઘટનાએ હાહાકાર મચાવ્યો છે. યુપી વિધાનસભામાં પણ આ ઘટનાના કારણે ભારે બબાલ થઈ ગઈ.સમાજવાદી પાર્ટીના અખિલેશ યાદવે યોગી આદિત્યનાથના શાસનમાં માફિયા રાજ હોવાનો આક્ષેપ મૂક્યો તો ભડકેલા યોગીએ આ હત્યા માટે જવાબદાર અતિક અહમદને સમાજવાદી પાર્ટીઓ પોષ્યો હોવાનો આરોપ મૂકીને કહ્યું કે, સપાના માણસો ચોરી પર સિનાજોરી કરી રહ્યા છે.અખિલેશ અને યોગી વચ્ચે ઉગ્ર બોલાચાલી પણ થઈ ગઈ ને તેના વીડિયો વાયરલ પણ થયા છે.બંને એકબીજા સામે બૂમબરાડા કરતા હોય એવું વીડિયોમાં દેખાય છે.આ દલીલબાજી વચ્ચે યોગીએ હુંકાર કર્યો છે કે, પ્રયાગરાજની ઘટનાના દોષિતોનો સફાયો કરી નાંખીશું.રાજુ પાલના પરિવારે અતિક અહમદ સામે ફરિયાદ નોંધાવી છે ને ઉમેશ પાલની હત્યા કોણે કરાવી એ બધાં જાણે છે.યોગીએ ડાયલોગ પણ ફટકાર્યો કે, હમ માફિયાઓં કે ખિલાફ હૈં ઔર અતિક અહમદ કો મિટ્ટી મેં મિલા દેંગેં.યોગીના હુંકાર પછી અતિક અહમદ ચર્ચામાં આવી ગયો છે.યુપીમાં માફિયારાજને ખતમ કરી નાંખવાનો દાવો કરનારા યોગીને મુશ્કેલીમાં મૂકી દેનારો અતિક અહમદ કોણ છે એ સવાલ દેશભરમાં ચર્ચાઈ રહ્યો છે.યુપી પોલીસે ઉમેશ પાલ હત્યા કેસમાં અતિક અહમદ ઉપરાંત તેના ભાઈ ખાલિદ અંજુમ ઉર્ફે અશરફ,અતિકની પત્ની શાઈસ્તા પરવિન તથા અતિકના દીકરાઓ સામે ફરિયાદ નોંધાવી છે.તેમની પૂછપરછ પણ ચાલી રહી છે પણ મહત્વનો સવાલ અતિક અહમદના માફિયા સામ્રાજ્યને યોગી ખતમ કરી નાંખશે કે નહીં તેનો છે.

અતિકે 19 વર્ષની ઉંમરે શરૂ કરી હતી ક્રાઈમની સફર

યુપીમાં સૌથી ખતરનાક માફિયા રાજકારણી ગણાતા અતિક અહમદ સામે ૧૨૦થી વધારે કેસ છે.ખૂન,ધાડ,અપહરણ,ખંડણી,ઠગાઈ સહિતના કોઈ ગુના એવા નથી કે જેમાં અતિક આરોપી ના હોય.અતિક ૧૯ વર્ષનો હતો ત્યારે તેની સામે પહેલો કેસ નોંધાયેલો પણ તેના બહુ પહેલાં અતિકે ક્રાઈમની સફર શરૂ કરી દીધેલી.યુપીમાં ૧૯૮૬માં ગેંગસ્ટર એક્ટ અમલમાં આવ્યો ને સૌથી પહેલો કેસ અતિક અહમદ સામે નોંધાયેલો.એ વખતે અતિકની ઉંમર માત્ર ૨૩ વર્ષની હતી છતાં તેની સામે ગેંગસ્ટર એક્ટ હેઠળ કેસ નોંધાયેલો તેના પરથી જ તેના કારનામા કેવાં હશે તેની ખબર પડી જાય.અતિકે ૧૯૮૦ના દાયકામાં જ અલાહાબાદમાં પોતાનું ક્રાઈમ નેટવર્ક જમાવી દીધેલું ને જબરદસ્ત ખૌફ પેદા કરી દીધેલો.આ ખૌફનો ફાયદો ઉઠાવવા રાજકારણમાં આવ્યો ને ૧૯૮૯માં પહેલી વાર વિધાનસભાની ચૂંટણી લડયો.અલાહાબાદ પશ્ચિમ બેઠક પરથી અતિક અપક્ષ તરીકે જીતીને પહેલી વાર ધારાસભ્ય બનેલો.અતિકે ૧૯૯૧ અને ૧૯૯૩માં પણ અપક્ષ તરીકે જીતીને હેટ્રિક કરેલી.

મુલાયમસિંહે અતિકને આપી હતી સપાની ટિકિટ

અતિકનો દબદબો જોઈને મુલાયમસિંહ યાદવે તેને પડખામાં લીધો. ૧૯૯૬માં અતિક સપાની ટિકિટ પર જીતીને ચોથી વાર ધારાસભ્ય બન્યો. મુલાયમ સાથે અણબનાવના પગલે ૨૦૦૨માં અતિક અહમદ અપના દલમાં જતો રહેલો. અતિકને મોદી સરકારમાં મંત્રી અનુપ્રિયા પટેલના પિતા સોનેલાલ પટેલની પાર્ટી અપના દલનો પ્રમુખ પણ બનાવાયેલો. જો કે મુલાયમ અતિકને મનાવીને પાછો લઈ આવ્યા ને ૨૦૦૪માં ફુલપુર લોકસભા બેઠક પરથી ટિકિટ આપી. અતિક અહમદ આસાનીથી જીતીને લોકસભાનો સભ્ય બનેલો.

જેણે ચૂંટણીમાં હરાવ્યો તેની જ કરી નાખી હત્યા

લોકસભાની ચૂંટણીમાં જીતતાં અતિકે ખાલી કરેલી અલાહાબાદ વેસ્ટ બેઠક પરથી સપાએ તેના નાના ભાઈ મોહમ્મદ અશરફને ટિકિટ આપી હતી.માયાવતીની બસપાએ ૨૦૦૨માં અતિક સામે હારેલા રાજુ પાલને ટિકિટ આપેલી.પાલે અશરફને હરાવીને અતિકની આબરૂનો ધજાગરો કરી નાંખેલો.છંછેડાયેલા અતિક અહમદે ત્રણ મહિના પછી જ રાજુ પાલની જાહેરમાં હત્યા કરાવી દીધી હતી.રાજુ પાલ ૨૬ જાન્યુઆરીના કાર્યક્રમમાં હાજરી આપવા પોતાના ગામ જતો હતો ત્યારે જ અતિકના ગુંડાઓએ તેને આંતરીને પતાવી દીધેલો.એ પછી થયેલી પેટાચૂંટણીમાં અતિકનો ભાઈ અશરફ આસાનીથી જીતીને ધારાસભ્ય બનેલો.માયાવતીએ અતિકના વર્ચસ્વને તોડવા રાજુ પાલની વિધવા પૂજા પાલને મેદાનમાં ઉતારી.પૂજાએ ૨૦૦૭માં અતિકના ભાઈને હરાવ્યો ને ૨૦૧૨માં અતિકને પણ હરાવીને તેની રાજકીય કારકિર્દી ખતમ કરી નાંખી.અતિકે એ પછી સપાનો સાથ લઈને રાજકીય રીતે ફરી બેઠા થવા બહુ ફાંફાં માર્યાં પણ સફળતા મળી નથી.યુપીમાં ૨૦૧૪માં ભાજપના ઉદય પછી તો અતિક માટે રાજકીય વાપસી મુશ્કેલ જ થઈ ગઈ છે. યુપીમાં ૨૦૧૭માં યોગી આદિત્યનાથ મુખ્યમંત્રી બન્યા પછી તેમણે જે ગેંગસ્ટર્સને ટાર્ગેટ કર્યા તેમાં અતિક અહમદ મુખ્ય હતો.

અતિકની ગેંગમાં ૨૦૦થી વધારે તો પગારદાર શૂટર

યોગીની તવાઈના કારણે અતિક રાજકીય રીતે પતી ગયો છે પણ તેનું ક્રાઈમ નેટવર્ક ખતમ થયું નથી.ઉમેશ પાલની ધોળા દિવસે ઘરમાં ઘૂસીને હત્યા કરાવીને અતિક અહમદે આ વાત સાબિત કરી છે.અતિક પાસે આજેય યુપીમાં સૌથી મોટી ગેંગ હોવાનું કહેવાય છે.તેની ગેંગમાં ૨૦૦થી વધારે તો પગારદાર શૂટર હોવાનું કહેવાય છે.અલાહાબાદમાં અતિકનું ખંડણીખોરી અને કોન્ટ્રાક્ટનું કામ ધમધમે છે. યોગી છ વર્ષમાં આ નેટવર્કને ખતમ કરી શક્યા નથી.ઉમેશ પાલની હત્યાથી બગડેલા યોગી હવે શું કરે છે એ જોઈએ.

અતિક 2019થી સાબરમતી જેલમાં બંધ

અતિક અહમદની ૨૦૧૭ના ફેબ્રુઆરીમાં એક યુનિવર્સિટીના સ્ટાફને મારવા બદલ જેલભેગો કરાયો ત્યારથી જેલમાં જ છે.જો કે અતિક યુપીની જેલોમાં બેઠાં બેઠાં ખંડણીખોરી કરતો હતો તેથી તેને અત્યારે અમદાવાદની સાબરમતી જેલમાં રખાયો હતો. અતિકની ૨૦૧૭માં ધરપકડ કરાઈ પછી દેવરીયા જેલમાં રખાયેલો.અતિકના માણસો બિઝનેસમેન મોહિત જયસ્વાલને ઉઠાવીને દેવરીયા જેલમાં લઈ આવેલા.જયસ્વાલ ખંડણી નહોતો આપતો તેથી અતિકે તેને જેલમાં લાવીને ફટકાર્યો હતો.ખંડણી નહીં આપે તો પતાવી દેવાની ધમકી પણ આપી હતી.યુપીમાં યોગી મુખ્યમંત્રી બની ચૂક્યા હોવાથી તેમણે જયસ્વાલને સુરક્ષાની ખાતરી આપીને ફરિયાદ કરાવડાવી.આ કેસમાં અતિક દોષિત ઠર્યો પછી તેને બરેલી જેલમાં મોકલી અપાયેલો.બરેલી જેલમાંથી પણ તે ક્રાઈમ નેટવર્ક ચલાવતો તેથી તેને ૨૦૧૯ના જૂનમાં સાબરમતી જેલમાં મોકલી અપાયો હતો.

કોર્ટમાં બોમ્બ ફેંકાયા છતાં અતિક બચી ગયેલો

અતિક અહમદ ધારાસભ્ય હતો ત્યારે ૨૦૦૨માં તેને પતાવી દેવા જીવલેણ હુમલો કરાયેલો.અતિકને ભારે સુરક્ષા વચ્ચે કોર્ટમાં રજૂ કરાયો ત્યારે તેના પર બોમ્બ ફેંકાયો હતો.અતિક ઘાયલ થયો હતો પણ તેનો જીવ બચી ગયો હતો.યુપીમાં એ વખતે માયાવતી મુખ્યમંત્રી હતાં.અતિકે આક્ષેપ મૂકેલો કે, માયાવતીએ એસપી લાલજી શુકલાને પોતાને ખતમ કરવાની સોપારી આપેલી.શુકલાના માણસોએ તેના પર બોમ્બ ફેંકેલો. અતિકની આ વાતને કોઈએ ગંભીરતાથી નહોતી લીધી.

Share Now