ભારતની નૌ સેનાના આઠ પૂર્વ અધિકારીઓને કતાર મોતની સજા ફટકારશે? પાક અખબારે કર્યો ચોંકાવનારો દાવો

52

નવી દિલ્હી,તા 29 એપ્રિલ 2023,શનિવાર : ખાડી દેશ કતારની જેલમાં છેલ્લા આઠ મહિનાથી કેદ ભારતીય નૌસેનાના આઠ અધિકારીઓને મોતની સજા આપવામાં આવી શકે છે તેવુ પાક મીડિયાના એક અહેવાલમાં કહેવાયુ છે.

આ અહેવાલ બાદ ભારતમાં પણ ખળભળાટ મચી શકે છે.પાક અખબારે દાવો કર્યો છે કે, આ અધિકારીઓ પર ઈઝરાયેલ માટે જાસૂસી કરવાનો આરોપ મુકવામાં આવ્યો છે અને તેમની ઓળખ રોના એજન્ટ તરીકે કરવામાં આવી છે.તેઓ કથિત રીતે કતારમાં જાસૂસી કરતા પકડાયા હતા.આ આઠ અધિકારીઓ ઈટાલી પાસેથી કતાર દ્વારા ખરીદવામાં આવનાર હાઈ ટેક સબમરિનની ગુપ્ત જાણકારી મેળવતા હતા.આ મામલામાં કતારના એક મિલિટરી ઓફિસર તેમજ એક ખાનગી કંપનીના સીઈઓની પણ ધરપકડ કરવામાં આવી છે.આ જ કંપનીમાં ભારતીય નૌ સેનાના પૂર્વ અધિકારીઓ કામ કરતા હતા.

3 મેના રોજ થનારી કોર્ટની સુનાવણી દરમિયાન અધિકારીઓ પર ગંભીર આરોપ મુકાનાર છે.કતારના અધિકારીઓનો દાવો છે કે તેમની પાસે આરોપને સમર્થન આપતા પૂરાવા પણ છે.

જે આઠ અધિકારીઓ હાલમાં કતારની જેલમાં છે તેમાં કેપ્ટન નવતેજ સિંહ ગિલ,કેપ્ટન વિરેન્દ્ર વર્મા,કેપ્ટન સૌરભ વશિષ્ઠ,કમાન્ડર અમિત નાગપાલ,કમાન્ડર પૂર્ણેન્દ્રુ તિવારી,કમાન્ડર સુગુનકર પાકલા,કમાન્ડર સંજીવ ગુપ્તા અને નાવિક રાગેશનો સમાવેશ થાય છે.

ભારતીય વિદેશ મંત્રાયલનુ કહેવુ છે કે, અમે કતારી અધિકારીઓ સાથે વાતચીત કરી રહ્યા છે.સાથે સાથે ભારતની એમ્બેસી અધિકારીઓના પરિવારજનો સાથે પણ સંપર્કમાં છે.અમે શક્ય હોય તેટલા પ્રયત્નો કરી રહ્યા છે.

Share Now