દિલ્હીના CM કેજરીવાલ ઉદ્ધવ ઠાકરેને મળ્યા, કેન્દ્રના વટહુકમ સામે માંગ્યું સમર્થન

45

– આજે જ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ શરદ પવારને પણ મળશે
– ગઈકાલે કોલકાતામાં પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીને મળ્યા હતા

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આજે મુંબઈમાં શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે સાથે તેમના નિવાસસ્થાને મુલાકાત કરી હતી.કેજરીવાલે રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્રમાં સેવાઓના નિયંત્રણમુક્ત કરવાના કેન્દ્રના વટહુકમ સામે આમ આદમી પાર્ટીની લડાઈમાં ઉદ્ધવનું સમર્થન માંગ્યું હતું.ઉદ્ધવ સાથેની મુલાકાત દરમિયાન પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન,AAPના રાજ્યસભાના સભ્યો સંજય સિંહ અને રાઘવ ચઢ્ઢા અને દિલ્હી સરકારના મંત્રી આતિશી પણ કેજરીવાલ સાથે હતા.

કેજરીવાલનો કેન્દ્રના વટહુકમ સામે વિપક્ષી એકતા સાથે લાવવાનો પ્રયાસ

કેન્દ્રના વટહુકમ સામે AAPની લડાઈમાં તેમનું સમર્થન મેળવવા સીએમ કેજરીવાલ આજે જ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના વડા શરદ પવારને પણ મળશે.વટહુકમ સામે વિરોધ પક્ષોનું સમર્થન મેળવવા માટે તેમના દેશવ્યાપી પ્રવાસના ભાગરૂપે કેજરીવાલ અને માન ગઈકાલે કોલકાતામાં પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીને મળ્યા હતા.કેન્દ્ર સરકારે ભારતીય વહીવટી સેવા અને DANICS કેડરના અધિકારીઓ સામે ટ્રાન્સફર અને વહીવટી કાર્યવાહી માટે નેશનલ કેપિટલ પબ્લિક સર્વિસ ઓથોરિટીની સ્થાપના કરવા માટે 19 મેના રોજ વટહુકમ બહાર પાડ્યો હતો.

સંસદના ચોમાસુ સત્રમાં આ વટહુકમ સાથે સંબંધિત બિલ રજૂ કરી શકે

એક સપ્તાહ પહેલા સુપ્રીમ કોર્ટે પોલીસ, સિવિલ સર્વિસ અને જમીન સંબંધિત મામલા સિવાય તમામ બાબતોમાં સેવાઓનું નિયંત્રણ દિલ્હીની ચૂંટાયેલી સરકારને સોંપી દીધું હતું.સંસદ દ્વારા છ મહિનાની અંદર વટહુકમને મંજૂરી આપવી જરૂરી છે.માનવામાં આવે છે કે કેન્દ્ર સરકાર સંસદના ચોમાસુ સત્રમાં આ વટહુકમ સાથે સંબંધિત બિલ રજૂ કરી શકે છે.

Share Now