બીજેપી હજી પણ ઉદ્ધવ ઠાકરેથી ડરે છે એ સારી વાત છે : સંજય રાઉત

59

મુંબઈ : કેન્દ્રના ગૃહપ્રધાન અને બીજેપીના નેતા અમિત શાહે નાંદેડમાં યોજેલી રૅલી બાદ શિવસેના (ઉદ્ધવ જૂથ)ના રાજ્યસભાના સભ્ય સંજય રાઉતે કહ્યું હતું કે બીજેપી ઉદ્ધવ ઠાકરેથી ડરે છે એ સારી વાત છે.નાંદેડમાં રૅલીને સંબોધતાં અમિત શાહે ૨૦૧૯ની ચૂંટણી અને એ વખતની બીજેપી-શિવસેનાની યુતિ અને ત્યાર બાદ સત્તા મેળવવા માટે શિવસેનાએ બીજેપી સાથે વિશ્વાસઘાત કરી એનસીપી અને કૉન્ગ્રેસ સાથે હાથ મિલાવી મહાવિકાસ આઘાડીની સરકાર સ્થાપી હતી એ વાતની લોકોને યાદ દેવડાવી હતી.

સંજય રાઉતે આ બાબતે કહ્યું હતું કે બીજેપી ઉદ્ધવ ઠાકરેથી ડરી રહી છે એ સારી વાત છે.શિવસેનામાં ભાગલા થયા પછી શિવસેનાનું નામ અને સિમ્બૉલ ભલે જતાં રહ્યાં,પણ ઉદ્ધવ ઠાકરેના નામની ધાક છે એ આનાથી પુરવાર થાય છે.અમિત શાહ ટોટલ ૨૦ મિનિટ બોલ્યા હતા એમાંથી સાત મિનિટ તો માત્ર ઉદ્ધવ ઠાકરે વિશે જ બોલ્યા હતા.મને નવાઈ લાગે છે કે નાંદેડમાં યોજાયેલી એ રૅલી બીજેપીના મહાસંપર્ક અભિયાનનો ભાગ હતી કે પછી ઉદ્ધવ ઠાકરેને વખોડવા માટેનું અભિયાન હતું? બીજેપીએ જે સવાલ ઉદ્ધવ ઠાકરને કર્યા છે એ પોતાને કરીને આત્મપરીક્ષણ કરવાની જરૂર છે.બીજેપી આખરે પોતે જ પોતાની જાળમાં ફસાઈ ગઈ છે.

Share Now