મહારાષ્ટ્ર સ્થિત સેથાર લિમિટેડ સ્ટીલ કંપનીમાં દરોડા દરમ્યાન ઇડીએ 517 કરોડની સંપત્તિ જપ્ત કરી

76

– 895 કરોડના બેન્ક કૌભાંડમાં ઈડીની કાર્યવાહી
– સેથાર લિ.એ 3,500 કરોડનો કોન્ટ્રાક્ટ મેળવવા સ્ટીલ કંપની સાથે ષડયંત્ર રચ્યું હોવાનો ઈડીનો દાવો

નવી દિલ્હી : એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ(ઈડી)એ બુધવારે જણાવ્યું કે રૂ. ૮૯૫ કરોડથી વધુના કથિત બેન્ક લોન કૌભાંડના સંબંધમાં મની લોન્ડરીંગ કાયદા હેઠળ તેણે મહારાષ્ટ્ર સ્થિત એક સ્ટીલ કંપની એસકેએસ ઈસ્પાત એન્ડ પાવર લિ.ની રૂ. ૫૧૭ કરોડથી વધુની મિલકત જપ્ત કરી છે જેમાં કંપનીની માલિકીની જમીન,મકાન અને મશીનરી સામેલ છે.સીબીઆઈની એનપીએ બનેલી બેન્ક લોનની તપાસમાં મની લોન્ડરીંગ કૌભાંડ બહાર આવ્યું હતું.

આ તપાસ મદુરાઈમાં ઈન્ડિયન બેન્કની એસએએમ બ્રાન્ચની આગેવાની હેઠળના ધિરાણદારોના કન્સોર્ટિયમ પાસેથી રૂ. ૮૯૫.૪૫ કરોડની ક્રેડિટ સુવિધા મેળવનાર તિરુચિરપ્પલી સ્થિત બોઈલર ઉત્પાદક કંપની સેથાર લિ. સામે સીબીઆઈની એફઆઈઆર આધારિત મની લોન્ડરીંગ કેસ સંબંધિત હતી.સેથારના ખાતા ૨૦૧૨માં એનપીએ બન્યા અને ૨૦૧૭માં તેની સામે નાદારીની પ્રક્રિયા શરૂ થઈ.ત્યાર પછી સ્ટીલ ઉત્પાદક કંપનીની ભૂમિકા પણ ઉજાગર થઈ હતી.

રૂ. ૩,૫૦૦ કરોડ માટે એસકેએસ પાવર જનરેશન (છત્તીસગઢ) લિ.નો એન્જિનીયરીંગ, પ્રોક્યોરમેન્ટ અને બાંધકામ (ઈપીસી) કોન્ટ્રાક્ટ મેળવવા માટે સેથાર લિ.એ રૂ. ૨૨૮ કરોડ તેની પેરન્ટ કંપની એસકેએસ ઈસ્પાત એન્ડ પાવર લિ.ને શેરમાં રોકાણના બહાના હેઠળ ટ્રાન્સફર કરી દીધા.ઈડીએ જણાવ્યું કે તેના પર જમા થયેલું વ્યાજ હિસાબમાંથી બાકાત રખાયું હતું.

એજન્સીનો દાવો છે કે સેથાર લિ.ના ડાયરેક્ટર કે. સુબ્બુરાજે સેથારના હિસાબમાંથી રૂ. ૭૯૩ કરોડ મૂલ્યની મિલકત સેરવી લેવા એસકેએસ ઈસ્પાતના સીએમડી અનિલ ગુપ્તા સાથે ગુનાહિત ઈરાદા સાથે સહયોગ કર્યો હતો.કંપની નાદાર બનતા ગુનો છુપાવવા પાછલી તારીખથી ખોટા દસ્તાવેજ બનાવવામાં આવ્યા જેને એસકેએસ પાસે રખાયા હતા.ગુનાહિત કૃત્યમાંથી મેળવેલી રકમ નિયમિત વ્યાવસાયિક હેતુ માટે ઉપયોગમાં લેવાઈ હતી.

Share Now