ભાજપમાં પત્રિકા કાંડ : રાજુ પાઠકના બે મોબાઈલ ફોન કબજે કરી FSL માં મોકલાયા

70

– સુમુલ ડેરીના વાઈસ ચેરમેનની સતત બીજા દિવસે ચાર કલાક પુછપરછ કરી
– હાલ પૂરતી તેમની કોઈ ભૂમિકા ન હોવાનું ક્રાઈમ બ્રાન્ચનું રટણ

સુરત : ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ અને અન્ય નેતાઓને બદનામ કરતી પત્રિકા અને પેન ડ્રાઈવ મોકલવાના પ્રકરણમાં ક્રાઈમ બ્રાન્ચે સુમુલ ડેરીના વાઈસ ચેરમેન રાજુ પાઠકના બે મોબાઈલ ફોન કબજે કરી એફએસએલમાં મોકલ્યા છે.ગુરુવારે મોડીરાત સુધી પુછપરછ બાદ આજે ફરી તેમની ચાર કલાક પુછપરછ કરવામાં આવી હતી.

ક્રાઈમ બ્રાન્ચના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ અને અન્ય નેતાઓને બદનામ કરતી પત્રિકા અને પેન ડ્રાઈવ મોકલવાના પ્રકરણમાં ક્રાઈમ બ્રાન્ચે સુમુલ ડેરીના વાઈસ ચેરમેન રાજુ પાઠકની ગતરોજ મોડીરાત સુધી પુછપરછ કરી હતી.ભાજપ નેતા અને સહકારી અગ્રણી રાજુ પાઠકને આજરોજ ફરી ક્રાઈમ બ્રાન્ચે પુછપરછ માટે બોલાવ્યા બાદ તેમની ચાર કલાક પુછપરછ કરી જવા દીધા હતા.ક્રાઈમ બ્રાન્ચે તેમના બે મોબાઈલ ફોન કબજે કરી એફએસએલમાં મોકલ્યા છે.જોકે, હાલ પૂરતી તેમની કોઈ ભૂમિકા નહીં હોવાનું ક્રાઈમ બ્રાન્ચ જણાવી રહી છે.ગણપત વસાવા જૂથના માણસ તરીકે ગણાતા રાજુ પાઠકના મોબાઈલ ફોનની એફએસએલ તપાસમાં ચોંકાવનારી વિગતો બહાર આવે તેવી શક્યતા સૂત્રોએ વ્યક્ત કરી હતી.

Share Now