મુંબઈ હાઈકોર્ટે IPS ઑફિસર રશ્મિ શુક્લાને ફોન ટેપિંગ કેસમાં આપી રાહત

44

– વરિષ્ઠ આઇપીએસ ઑફિસર અને મહારાષ્ટ્રના પૂર્વ ઇન્ટેલિજન્સ ચીફ રશ્મિ શુક્લાને રાહત આપતાં બૉમ્બે હાઈ કોર્ટે શુક્રવારે ગેરકાયદે ફોન ટેપિંગ માટે તેમની સામે નોંધાયેલા બે એફઆઇઆર રદ કર્યા

મુંબઈ : વરિષ્ઠ આઇપીએસ ઑફિસર અને મહારાષ્ટ્રના પૂર્વ ઇન્ટેલિજન્સ ચીફ રશ્મિ શુક્લાને રાહત આપતાં બૉમ્બે હાઈ કોર્ટે શુક્રવારે ગેરકાયદે ફોન ટેપિંગ માટે તેમની સામે નોંધાયેલા બે એફઆઇઆર રદ કર્યા હતા.દેવેન્દ્ર ફડણવીસ જ્યારે મુખ્ય પ્રધાન હતા ત્યારે વિપક્ષી નેતાઓના ફોન ગેરકાયદેસર રીતે ટેપ કરવા બદલ શુક્લા સામે પુણે અને દક્ષિણ મુંબઈના કોલાબામાં એમ બે એફઆઇઆર દાખલ કરવામાં આવ્યા હતા.શુક્રવારે શુક્લાના વકીલ મહેશ જેઠમલાણીએ હાઈ કોર્ટને જણાવ્યું હતું કે પુણે એફઆઇઆરમાં પોલીસે સી-સમરી રિપોર્ટ (કેસ ખોટો કે સાચો નથી) સબમિટ કર્યો હતો અને કેસને બંધ કરવાની માગ કરી હતી.જ્યારે મુંબઈ કેસમાં સરકારે શુક્લા સામે કાર્યવાહી કરવાની મંજૂરી આપવાનો ઇનકાર કર્યો હતો.જસ્ટિસ એ.એસ. ગડકરી અને શર્મિલા દેશમુખની ડિવિઝન બેન્ચે આ વાત સ્વીકારી અને બે એફઆઇઆર રદ કર્યા હતા.

પુણેનો કેસ કૉન્ગ્રેસ નેતા નાના પટોલેના ફોન કૉલ્સ કથિત રીતે રેકૉર્ડ કરવા બદલ અને મુંબઈનો કેસ ઉદ્ધવ ઠાકરે ગ્રુપના શિવસેનાના સાંસદ સંજય રાઉત અને રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસના નેતા એકનાથ ખડસે,જે અગાઉ બીજેપીમાં હતા,તેમના ફોન કૉલ્સ રેકૉર્ડ કરવા બદલ નોંધાયો હતો.

Share Now