ખોડીયાર માતાજી વિષે હીન કક્ષાનો બકવાસ કરનાર સ્વામી સામે આક્રોશ

39

– લેઉઆ પાટીદાર સહિત અનેક સમાજના સદીઓથી આરાધ્ય કુળદેવી ઉગ્ર આંદોલનની તૈયારી,પ્રાચીન માટેલ ધામ આજે રજૂઆત કરશે : ખોડલધામમાં પણ ઘેરા પ્રત્યાઘાત, ટ્રસ્ટમા આજે બેઠક : બ્રહ્મસ્વરૂપ સ્વામીના બફાટથી કરોડો લોકોની આસ્થાને ઠેંસ, છતાં ‘મત’લબી નેતાઓ મૌન

લેઉઆ પાટીદાર સહિત અનેક જ્ઞાાતિ-સમાજોના પરિવારોમાં પેઢી દર પેઢીથી,સદીઓથી જે જોગમાયા રાજરાજેશ્વરી ખોડલ માતાજીને કુળદેવી તરીકે પૂજા થતી રહી છે,જેનું વાંકાનેર પાસે માટેલમાં સદીઓ જુનું આસ્થાકેન્દ્ર અને લાખો પાટીદારોએ જેમનું ભવ્યાતિભવ્ય,વિશ્વવિક્રમો સ્થાપિત કરતું ખોડલધામ મંદિર બનાવ્યું છે તે માતાજી વિષે તાજેતરમાં સ્વામિનારાયણ સંપ્રદાયના બ્રહ્મસ્વરૂપ સ્વામીએ અત્યંત હીનકક્ષાની ટીપ્પણી કરે છે તેવો વિડીયો વાયરલ થતા સૌરાષ્ટ્રના લાખો પરિવારોમાં તીવ્ર આક્રોશની લાગણી પ્રસરી છે.

માટેલ ધામના લઘુમહંત ચેતન બાપુએ સ્વામિ.સંપ્રદાયના સ્વામીની આ ટીપ્પણીથી માતાજીના લાખો ભક્તોની લાગણી ખૂબ દુભાઈ છે અને આ સ્વામી માફી માગતો વિડીયો બનાવીને અપલોડ કરે તેવી અમારી માંગ છે.માટેલધામના સૂત્રોએ ઉમેર્યું કે આવતીકાલે આ અંગે જિલ્લા કલેક્ટર સહિતને રજૂઆત કરાશે અને ૧૦ દિવસમાં જો માફી માંગવામાં નહીં આવે તો ખોડીયાર માતાજીના સેવકગણ અને માતાજીના ભક્તો દ્વારા ઉગ્ર આંદોલન કરાશે અને ખોડીયાર માતાજી ટ્રસ્ટ દ્વારા આ સ્વામી સામે ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે.

મોરબી માલધારી સમાજમાં આ સ્વામી સામે ઉગ્ર રષ વ્યાપ્યો છે, રમેશ રબારીએ જણાવ્યું કે ખોડીયાર માતા અમારા માલધારી સમાજના કુળદેવી છે, અમે સ્વામિ.સંપ્રદાય વિષે આવું કદિ બોલ્યા નથી તો એના સ્વામી કેમ આવો બફાટ કરે છે,અમે રોડ ઉપર ઉતરીને વિરોધ નોંધાવશું અને સ્વામિનારાયણના કોઈ કાર્યક્રમ નહીં થવા દઈએ તેવી ચીમકી અપાઈ છે.

કાગવડ ખોડલધામના ભક્તોમાં પણ સ્વામીના આ વિડીયોથી ધાર્મિક લાગણી દુભાઈ છે.ખોડલધામ ટ્રસ્ટનો સંપર્ક સાધતા આવતીકાલે આ અંગે બેઠક યોજીને આગળ નિર્ણય લેવાશે તેમ જણાવાયું છે.ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્રમાં અનેક સ્થળે ખોડિયારમાતાજીના મંદિરો આવેલા છે અને સેંકડો વર્ષોથી માતાજી કુળદેવી તરીકે પૂજાય છે,ગરબા-સ્તુતિ ગવાતા રહ્યા છે ત્યારે આવા બકવાસથી લાખો ભાવિકોમાં તીવ્ર રોષ જન્મ્યો છે.જો કે, છાશવારે દરેક મુદ્દે નિવેદનો ફટકારતા શાસક-વિપક્ષ સહિતના મતપ્રેમી નેતાઓ દૂધ અને દહીં બન્નેમાં પગ રાખવા માટે મોઢે તાળા મારવાનું પસંદ કર્યું છે.

સાળંગપુરનો વિવાદ ચાલુ હતો ત્યારે સપ્તાહ પૂવે આવું નિવેદન કરાયાનું જાણવા મળે છે.અન્ય એક સનાતની સંતે કહ્યું કે સ્વામિનારાયણમાં ઘણા સાચા સાધુઓ પણ છે પરંતુ, કેટલાક આવા સાધુઓ વાસ્તવમાં રાક્ષસો છે અને તે જ માતાજી વિષે આવું બોલી શકે.આજે ઉપરોક્ત સ્વામીના મળેલા નંબર ઉપર આવું બોલવાનું કારણ શુ તે ક્લેરિફિકેશન માટે સંપર્ક સાધવા પ્રયાસ કરતા ફોન સ્વીચ ઓફ આવ્યો હતો.

Share Now