ભાજપ શાસિત ભરૂચની ચાર નગર પાલિકામાં નવા પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી અધ્યક્ષ અને શાસક પક્ષના નેતાની વરણી

75

– ભરૂચ પાલિકાના 44 સભ્યોમાં ભાજપના ઉમેદવારોને 30 મત અને કોંગ્રેસના ઉમેદવારોને 8 મત મળ્યાં
– AIMIM ના બે નગરસેવકો વોટિંગથી રહ્યા અળગા

ભરૂચ જિલ્લાની ભાજપ શાસિત ચારેય નગર પાલિકામાં પ્રમુખ,ઉપપ્રમુખ,કારોબારી અધ્યક્ષ અને શાસક પક્ષના નેતાની આજે વરણી કરાઈ હતી.ભરૂચ,અંકલેશ્વર,આમોદ અને જંબુસર નગર પાલિકાની આગામી અઢી વર્ષની ટર્મ માટે પ્રદેશમાંથી આવેલું મેન્ડેટ જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયાએ ખોલ્યું હતું.

ભરૂચ નગર પાલિકામાં SDM યુ.એન.જાડેજા,ચીફ ઓફિસર સહિતની હાજરીમાં સામાન્ય સભા મળી હતી.શહેરના તમામ 11 વોર્ડના 44 સભ્યો હાજર રહયાં હતાં.પાલિકામાં બહુમતી ધરાવતાં ભાજપ તરફથી પ્રમુખ તરીકે વિભૂતિ યાદવ,ઉપપ્રમુખ તરીકે અક્ષય પટેલના નામની દરખાસ્ત મુકવામાં આવી હતી.વિપક્ષ કોંગ્રેસ તરફથી જૈનબબીબી રાજ અને ઇબ્રાહિમ કલકલના નામની દરખાસ્ત કરવામાં આવી હતી.બંને દરખાસ્તોના સંદર્ભમાં મતદાન કરાવવામાં આવતાં ભાજપના પ્રમુખ અને ઉપપ્રમુખના ઉમેદવારોને 30 મત જયારે કોંગ્રેસના ઉમેદવારોને 8 મત મળતાં ભાજપના ઉમેદવારોને વિજેતા જાહેર કરાયાં હતાં.એ.આઈ.એમ.આઈ.ના બે સભ્યોએ વોટિંગ કર્યું ન હતું.ચૂ઼ંટણી અધિકારીએ પાલિકાના પ્રમુખ તરીકે ભાજપના વિભૂતિ યાદવ અને ઉપપ્રમુખ તરીકે અક્ષય પટેલને વિજેતા જાહેર કર્યા હતાં.સત્તાધારી ભાજપે શાસકપક્ષના નેતા તરીકે ગણેશ કાયસ્થની વરણી કરી છે.જ્યારે મહત્વની એવી કારોબારી સમિતિના અધ્યક્ષ તરીકે ત્રણ ટર્મથી કોર્પોરેટર એવા હેમેન્દ્ર પ્રજાપતિની વરણી કરી હતી.જેઓ અગાઉ કુશળ રીતે લાઈટ અને વોટર વર્ક્સ કમિટીનું ચેરમેન પદ સંભાળી ચુક્યા છે.

અંકલેશ્વર નગર પાલિકામાં પણ નવા પદાધિકારીઓ માટે સામાન્ય સભા મળી હતી.જેમાં પ્રમુખ તરીકે લલિતાબેન રાજપુરોહિત અને ઉપપ્રમુખ તરીકે ભાવેશ કાયસ્થ બિનહરીફ રહ્યાં હતાં.જ્યારે કારોબારી અધ્યક્ષ તરીકે નિલેશ પટેલ અને પક્ષના નેતા તરીકે સાગર ગાંધીની જાહેરાત થઈ હતી.જંબુસર પાલિકા પ્રમુખ તરીકે અમિષાબેન શાહ,ઉપપ્રમુખ સુરેશ ખારવા,કારોબારી ચેરમેન અલ્પેશ પટેલ અને શાસક પક્ષના નેતા તરીકે વિશાલ પટેલની વરણી કરાઈ હતી.આમોદ પાલિકામાં પ્રમુખ અલ્પાબેન પટેલ, ઉપપ્રમુખ જસુ રાઠોડ,કારોબારી અધ્યક્ષ ગીતાબેન પટેલ અને શાસક પક્ષ નેતા બાનુબેન ચૌહાણ નિયુક્ત થયા હતા.તમામ નવા પદાધિકારીઓને ફુલહાર અને અભિવાદન સાથે વધાવી લેવામાં આવ્યા હતા.

Share Now