– કોંગ્રેસ આ વખતે દેશના લગભગ તમામ રાજ્યોમાં ગઠબંધન હેઠળ ચૂંટણી લડી રહી છે
– સીપીઆઈ કેરળમાં કોંગ્રેસને આકરો પડકાર આપ્યો છે
લોકસભા ચૂંટણી 2024 માટે કેરળમાં કોંગ્રેસ અને યુનાઈટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ (UDF) વચ્ચે બેઠકોની વહેંચણી કરવામાં આવી છે.કોંગ્રેસ આ વખતે દેશના લગભગ તમામ રાજ્યોમાં ગઠબંધન હેઠળ ચૂંટણી લડી રહી છે ત્યારે હવે કેરળમાં પણ બેઠકોની વહેંચણી પર સર્વસંમતિ સધાઈ છે.ટૂંક સમયમાં પાર્ટી તેના લોકસભા ચૂંટણીના ઉમેદવારો જાહેર કરશે.
કોંગ્રેસ કેરળમાં 16 બેઠકો પરથી લોકસભાની ચૂંટણી લડશે
કોંગ્રેસ યુનાઈટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ (UDF) સાથે ગઠબંધન કરીને કેરળમાં ચૂંટણી લડશે.બંને વચ્ચે સીટ વહેંચણીને લઈને સમજૂતી થઈ છે. કોંગ્રેસ કેરળમાં 20માંથી 16 બેઠકો પરથી લોકસભાની ચૂંટણી લડશે,જ્યારે ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ (IUML) બે (મલપ્પુરમ અને પોન્નાની) બેઠકો પરથી, રિવોલ્યુશનરી સોશ્યલિસ્ટ પાર્ટી (RSP) એક (કોલ્લમ) બેઠક પરથી અને કેરળ કોંગ્રેસ એક (કોટ્ટાયમ) બેઠક પરથી ચૂંટણી લડશે.મુસ્લિમ લીગે વધારાની બેઠકની માંગણી કરી હતી અને કોંગ્રેસ તેમને એક રાજ્યસભા સીટ આપવા સંમત થઈ છે.
સીપીઆઈ કેરળમાં અલગથી ચૂંટણી લડશે
નોંધનીય છે કે ગઠબંધન I.N.D.I.Aમાં સામેલ કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા (CPI)એ કેરળમાં કોંગ્રેસને આકરો પડકાર આપ્યો છે.સીપીઆઈ કેરળમાં અલગથી ચૂંટણી લડવા જઈ રહી છે.તેમણે પોતાના ચાર ઉમેદવારો પણ જાહેર કર્યા છે.સીપીઆઈએ વાયનાડથી રાહુલ ગાંધી અને તિરુવનંતપુરમથી શશિ થરૂર સામે ઉમેદવારોની જાહેરાત કરી છે.