– છેલ્લા 9 માસમાં નોંધાયેલા સાયબર ગુનાઓમાં ગુજરાત સાયબર સેલ દ્વારા ત્વરિત એક્શન લઇને છેતરપિંડીની રૂ.208.79 કરોડથી વધુ રકમ ફ્રીઝ કરીને સાયબર ચિટરોના હાથમા જતી બચાવી
ગુજરાત પોલીસનાં સાયબર સેલ દ્વારા હેલ્પલાઇન નં.1930ના ઉત્કૃષ્ટ મેનેજમેન્ટ થકી રાજ્યના નાગરિકોને સાયબર ક્રાઈમથી સુરક્ષિત રાખવા બદલ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહના હસ્તે દિલ્હી ખાતે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયને એવોર્ડથી વિશેષ સન્માન પ્રાપ્ત થયું છે.જાગૃત નાગરિકોના સહકારથી અને ગુજરાત પોલીસની ત્વરિત કામગીરીના પરિણામે ગુજરાતને આ ગૌરવ મળ્યું છે.સ્ટેટ સાયબર સેલ દ્વારા લેવામાં આવેલા રેપિડ એક્શન અને ફ્રોડમાં ગયેલા નાણાની રિકવરી તથા ફ્રોડની રકમ જે બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવી હોય તે એકાઉન્ટ ત્વરિત ફ્રિઝ કરવાની કામગીરી પ્રશંસનિય રહી છે.જેને પરિણામે ઓનલાઇન છેતરપીંડીનો ભોગ બનનાર નાગરિકોને પોતાના ફ્રોડમાં ગયેલા રૂપિયા પરત અપાવવામાં ગુજરાત પોલીસને સફળતા મળે છે.
સ્ટેટ સાયબર સેલના એસ.પી ધર્મેન્દ્ર શર્માએ જણાવ્યુ છે કે, રાજ્યમાં તા.1લી જાન્યુઆરી-2024થી તા.10મી સપ્ટેમ્બર 2024 સુધીમાં સાયબર ગુનાઓ સંબંધિત કુલ 93,066 ફરિયાદો દાખલ થઇ છે તેની સામે ગુજરાત પોલીસના સાયબર સેલ દ્વારા ત્વરિત એક્શન લઇને છેતરપિંડીમાં ગયેલી રકમ પૈકી રૂ.208.79 કરોડથી વધુ રકમ ફ્રીઝ કરી દેવામાં સફળતા મળી છે.તે પૈકી સાયબર છેતરપીંડીનો ભોગ બનેલા નાગરિકોનાં અંદાજે રૂ.80.01 કરોડથી વધુ રૂપિયા પરત કરી દેવામાં આવ્યા છે જ્યારે અન્ય રકમ પરત કરવાની કાર્યવાહી ચાલી રહી છે.
સાયબર ફ્રોડ થયાના પાંચ કલાકની અંદર જ એટલે કે ગોલ્ડન અવર્સમાં જો ભોગ બનનાર નાગરિક દ્વારા હેલ્પલાઇન ઉપર સંપર્ક કરી દેવામાં આવ્યો હોય તો તેવા લાઇવ કિસ્સાઓમાં છેતરપિંડીમાં ગયેલી રકમની રિકવરી સૌથી વધુ થઇ છે.આ પ્રકારના લાઇવ કેસમાં ત્વરિત એક્શન લઇ રૂ.23.03 કરોડથી વધુ રકમ ફ્રિઝ કરી રૂ.3.71 કરોડથી વધુ રકમ પીડિતોને પરત અપાવવામાં સફળતા મળી છે.ગુજરાત પોલીસની આ રેપિડ એક્શન સહિત હેલ્પલાઇન નં.1930ના ઉત્કૃષ્ટ મેનેજમેન્ટ માટે સન્માન મળ્યુ છે.