
ટ્રમ્પના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે CAA-NRCના મામલે અમેરિકા ચિંતિત છે
એજન્સી, વોશિંગ્ટન
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 24 ફેબ્રુઆરીના રોજ બે દિવસ માટે ભારત પ્રવાસ પર આવવાના છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની મુલાકાત દરમિયાન ધાર્મિક સ્વતંત્રતાનો મુદ્દા પર ચર્ચા કરશે. વ્હાઈટ હાઉસે આ અંગેની જાણકારી આપતા કહ્યું કે અમેરિકા, ભારતની લોકતાંત્રિક પરંપરાઓ અને સંસ્થાનોનું ખૂબ જ સમ્માન કરે છે.
એક વરિષ્ઠ અધિકારીએ કોન્ફરન્સ કોલમાં પત્રકારોને કહ્યું, ‘અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પે પોતાના સાર્વજનિક અને અંગત એમ બંને ભાષણ દરમિયાન લોકતંત્રની પરંપરાઓ અને ધાર્મિક સ્વતંત્રતાના વિષય પર ચર્ચા કરશે. તેઓ આ મુદ્દાને ઉઠાવશે, ખાસ કરીને ધાર્મિક સ્વતંત્રતાના મુદ્દો કે જે પ્રશાસન માટે અત્યંત મહત્વપૂર્ણ છે.’
ટ્રમ્પના CAA અને NRC પર વડાપ્રધાન મોદી સાથે વાત કરવાની યોજના સાથે સંકળાયેલા એક પ્રશ્નના જવાબમાં અધિકારીએ આ અંગેની વાત કરી હતી. ઉલ્લેખનીય છે કે નાગરિકતા સુધારણા કાયદા પર હજી પણ દેશમાં કેટલાક સ્થળોએ વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે.
ટ્રમ્પ સરકારના એક વરિષ્ઠ અધિકારીએ CAA અને NRC સાથે સંકળાયેલા પ્રશ્ન પર કહ્યું કે, ‘તમે જે મુદ્દાઓ ઉઠાવ્યા છે તેમાંથી કેટલાક મુદ્દાઓ પર અમે પણ ચિંતિત છીએ. મારું માનવું છે કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ વડાપ્રધાન મોદીની સાથે બેઠકમાં આ મુદ્દાઓ પર ચર્ચા કરશે.’
અધિકારીએ કહ્યું કે, ‘ધાર્મિક સ્વતંત્રતા, ધાર્મિક લઘુમતિ ધરાવતા સમાજના સમ્માન અને તમામ ધર્મોની સાથે સમાન વ્યવહાર જેવી બાબતોનો સમાવેશ ભારતીય કાયદામાં થાય છે. આવી કેટલીક બાબતો છે કે જે રાષ્ટ્રપતિ માટે મહત્વપૂર્ણ રહેશે અને મને વિશ્વાસ છે કે તેઓ આ મુદ્દાઓ પર ચર્ચા જરૂરથી કરશે.’