અમદાવાદ : અમદાવાદમાં IPL ફાઇનલ મેચમાં ગુજરાતની ટીમનો ભવ્ય વિજય થતાં અમદાવાદીઓ આનંદ આવી જઈ રોડ પર ઉતરી આવી ફટાકડા ફોડી આનંદ માણ્યો હતા.મેચ પહેલાં પોતાના પસંદગીના ક્રિકટરોને જોવા માટે લોકોએ જે-તે હોટલ આગળ લાઇનો લગાવી દીધી હતી.બીજી તરફ લોકોના ટોળા બપોરેથી જ સ્ટેડિયમ પર પહોંચી ગયા હતા.સ્ટેડિયમ બહાર ટીમના ટીશર્ટ,રંગ-બે-રંગી ટેટુ ચિતરાવીને લોકો સ્ટેડિયમમાં ગયા હતા.રાજસ્થાનની ટીમ પણ ફાઇનલ રમતી હોવાથી રાજસ્થાનની ટીમના ફેન પણ રાજસ્થાની સાફામાં સજ્જ થઇને સ્ટેડિયમમાં પહોંચી ગયા હતા.બપોરે લગભગ ત્રણેક વાગ્યાથી લોકોએ સ્ટેડિયમમાં એન્ટ્રી લેવાની શરૂઆત કરી દીધી હતી અને સાડા છ વાગ્યા સુધીમાં ખીચોખીચ ભરાઇ ગયું હતું.
રંગારંગ કાર્યક્રમની લોકોએ મજા માણી હતી.રાત્રે સ્ટેડિયમ પરની રંગબેરંગી લાઇટોએ લોકોના મન મોહી લીધા હતા.મેચ શરૂ થતાંની સાથે રાજસ્થાન અને ગુજરાતના સમર્થકોએ પોતપોતાની ટીમને બૂમો મારીને ચીઅર અપ કર્યું હતું.પાર્કિંગની વ્યવસ્થા દૂર હોવાથી શહેરીજનોને મેચ જોવા માટે ઘણું ચાલવું પણ પડ્યું હતું.મેચને લઇને અમદાવાદીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળતો હતો.ગુજરાતના વિજય સાથે સ્ટેડિયમમાં જ લોકોએ એકબીજાને અભિનંદન આપ્યા હતા.હજારોની સંખ્યામાં લોકો મેચ જોવા સ્ટેડિયમ પહોંચી રહ્યા હોવાથી ટ્રાફિકની સમસ્યા ઊભી ન થાય તે માટે ટ્રાફિસ જેસીપી મયંકસિંહ ચાવડાના માર્ગદર્શન હેઠળ ટ્રાફિકના અધિકારીઓ અને કર્મચારીઓ સ્ટેડિયમ આજુબાજુ ગોઠવાઇ ગયા હતા અને ટ્રાફિક નિયમન કરતા હતા.ખેલાડીઓ ઉપરાંત દેશભરની સેલિબ્રિટી અને ખુદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહ પરિવાર સાથે અને રાજ્યપાલ,મુખ્યમંત્રી,મંત્રીઓ ઉપસ્થિત હોવાથી અમદાવાદ શહેર પોલીસના સિનિયર અધિકારીઓ લગભગ તમામ ડીસીપી અને સિનિયર ઓફિસરો સુરક્ષા માટે સ્ટેડિયમમાં અને આજુબાજુમાં ગોઠવાઇ ગયા હતા.લોકોની ભીડ વધતાં સ્ટેડિયમ તરફના રસ્તા બંધ કરી દેવામાં આવ્યા હતા.


