ભાજપના પૂર્વ મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલાએ રાજકીય વગનો ઉપયોગ કરીને તેમના વિરૂદ્વની પત્રિકાકાંડની તપાસ સ્પેશીયલ ઓપરેશન ગુ્રપને આપી હતી.જે બાદ હવે એસઓજીના અધિકારીઓ પર ભાજપના જ નેતાઓનો ગાળિયો કસાયો છે. એસઓજીની કામગીરી ડ્રગ્સ અને દેશ વિરોધી તત્વો સામે કાર્યવાહી કરવાની છે.પરંતુ, અમદાવાદ પોલીસ સીધી રીતે કરી શકે તેવી તપાસ હાથમાં લઇને પ્રદીપસિંહે પત્રિકા મામલે આપેલી ૨૦ જેટલા શકમંદોની યાદીને આધારે પુછપરછ શરૂ કરી હતી. જે મામલે ભાજપના જ નેતાઓ એસઓજીના અધિકારીઓ પર નારાજ થયા છે અને સમગ્ર મામલો ગૃહ વિભાગમાં પહોંચતા એસઓજીના અધિકારીઓ તેમજ ક્રાઇમબ્રાંચના અધિકારી પાસે આ મામલે સ્પષ્ટતા માંગી છે.
ભાજપના પૂર્વ મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલાએ તેમના વિરૂદ્વ થયેલા ભ્રષ્ટ્રાચારના આક્ષેપોની પત્રિકા ફરતી થઇ હતી.આ મામલે તપાસ કરાવવા માટે તેમણે ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં અરજી આપવાના બદલે પોતાની રાજકીય વગનો ઉપયોગ કરીને જુહાપુરા સ્થિત સ્પેશિયલ ઓપરેશન ગુ્રપની કચેરી ખાતે ઉચ્ચ અધિકારીનો સંપર્ક સમગ્ર મામલે તપાસ કરવા માટે અરજી આપી હતી.જેમાં ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ હિમાંશુ પંડયા સહિત ભાજપના મોટા કાર્યકરો હોય તેવા ૨૦ જેટલા શકમંદોની યાદી પણ સોંપી હતી.
સાથેસાથે દબાણ કર્યું હતું કે સમગ્ર કેસની તપાસ એસઓજીના ડીવાયએસપી બી સી સોંલકીના સુપરવિઝનમાં એક ટીમ દ્વારા કરવામાં આવે.જે વાતને એસઓજીના ડીવાયેસપીએ સ્વીકારીને લીધી હતી.જે બાદ હિમાંશુ પંડયાને નિવેદન નોંધાવવા માટે બોલાવવામાં પણ આવ્યા હતા.જ્યાં ચાર કલાક સુધી તેમને મેરેથોન પુછપરછ કરવામાં આવી હતી.આ ઉપરાંત, પાલડી ફતેપુરામાં આવેલી અશ્વિન સોસાયટીમાં રહેતા જીમીત શાહ અને મુકેશ શાહના ઘરે આ મામલે તપાસ પણ કરી.જેમાં સરકારી અને ખાનગી રબર સ્ટેમ્પ મળી આવતા પ્રદીપસિંહના અરજીની તપાસને બાજુમાં મુકીને રાતોરાત ખાનગી કંપનીના દિનેશ પટેલની અરજી લઇને તેમને ફરિયાદી બનાવવાના બદલે એસઓજીના એએસઆઇ નિકુલસિહને ફરિયાદી બનાવીને ગુનો નોંધવામાં આવ્યો હતો.આ તમામ બાબતો ભાજપના નેતાઓના ધ્યાનમાં આવવાની સાથે ગૃહવિભાગે એસઓજીની કામગીરી અંગે શંકા વ્યક્ત કરી હતી.જે બાદ એસઓજીના અધિકારીઓ પાસેથી ગૃહ વિભાગે આ સંદર્ભમાં ખુલાસો માંગ્યો છે.તેમજ અમદાવાદ ક્રાઇમબ્રાંચના અધિકારીઓ પર પણ સવાલ ઉભા કર્યા છે કે સીધી રીતે ક્રાઇમબ્રાંચના તાબામાં આવતી એસઓજીએ ઉચ્ચ અધિકારીઓને વિશ્વાસમાં લીધા વિના શા માટે તપાસ શરૂ કરી.
સુત્રોના જણાવ્યા મુજબ ભાજપના મોટા ગજાના નેતાઓએ એસઓજીને પ્રદીપસિંહે આપેલી ૨૦ લોકોની યાદી મંગાવી છે.ખાસ કરીને હિમાશુ પંડયાની ચાર કલાક ચાલેલી મેરેથોન પુછપરછથી પણ ભાજપના નેતાઓ નારાજ છે.આમ, પ્રદીપસિંહે રાજકીય વગનો ઉપયોગ પોલીસ ખાતામાં કરીને હવે એસઓજી અને ક્રાઇમબ્રાંચના અધિકારીઓને મુશ્કેલીમાં મુકી દીધા છે.