બરેલી : યુપી પોલીસે કોરોનાના નિયમનું પાલન કરાવવા જતા તમામ હદ વટાવી હોય તેમ લાગે છે. અનેક વખત વિવાદમાં રહેલી પોલીસનું આ કારનામું સાચું હોય તો તે ક્રૂરતાની હદ કહી શકાય. બરેલીમાં પોલીસ સામે યુવકને ચોકીની અંદર હાથ-પગ બાંધીને ફટકારવાનો આક્ષેપ કરાયો છે. એટલું જ નહિ એવો પણ આરોપ છે કે પોલીસે યુવકની આંખો પર પટ્ટી બાંધીને પહેલા ફટકાર્યા હતા અને એ પછી તેના હાથ અને પગમાં ખીલ્લા ઠોકી દીધા હતા. યુવકના હાથ અને પગમાં ખીલ્લા લાગેલા ફોટાની સાથે પોલીસ પર મુકવામાં આવેલા આરોપોનો મેસેજ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. જોકે પોલીસની તપાસમાં આ કેસ ખોટો નીકળ્યો હોવાનું કહેવાય છે. એએસપીએ આ આરોપોને નકારી દીધા છે અને કહ્યું છે કે આરોપી સામે બે દિવસ અગાઉ કેસ નોંધાયો હતો. તે ધરપકડથી બચવા તરકટ કરી રહ્યો છે. તેણે ષડયંત્ર રચીને હાથ-પગમાં ખીલ્લા ઠોકી લીધા છે. જોકે પોલીસનો આ દાવો ગળે ઉતરતો નથી. પોલીસ પર આક્ષેપ છે કે પોલીસે ૨૪ મેની રાત્રે ૧૦ કલાકે માસ્ક ન પહેરવા બદલ યુવકને ઝડપી લીધો હતો. એ પછી પોલીસ ચોકીએ તેને ફટકારીને હાથ-પગમાં ખીલ્લા ઠોકી દેવાયા હતા.

