– એન્ડ્રોઇડ અને Ios ડેવલપર ટૂલ્સ ઉપલબ્ધ કરાવશે, મે મહિનામાં બંનેનાં એપ સ્ટોર પર એપ આવશે
ટેક વિશ્વની એક અજોડ ઘટના રૂપે બે કટ્ટર હરીફ ગૂગલ અને એપલએ હાથ મીલાવી લીધા છે. આ બંને હરીફોએ કોઇ બિઝનેસ નહીં પરંતુ કોરોનાના કોન્ટેક્ટ ટ્રેસિંગ માટે અજોડ ગઠબંધન રચ્યું છે. બંનેએ એક સંયુક્ત યાદી પ્રગટ કરીને આ માહિતી આપી છે.
ગૂગલ અને એપલ બંને દ્વારા જારી કરાયેલી આ યાદી મુજબ તેઓ કોન્ટેક્ટ ટ્રેસિંગ ટેક્નોલોજીનો ઉપયોગ કરી તેમના યૂઝર્સને તેઓ કોઇ કોવિડ-19ના પોઝિટિવ દર્દીના સંપર્કમાં કે સમીપ આવ્યા છે કે કેમ તે અંગે એલર્ટ કરી દેશે. આ ટેક્નોલોજી બ્લૂટૂથ આધારિત હશે.
બંને કંપનીઓની સંયુક્ત યાદીમાં જણાવાયું છે કે, વિશ્વભરમાં અગ્રણી જાહેર આરોગ્ય સંસ્થાનો, યુનિવર્સિટીઓ તથા સ્વૈચ્છિક સંસ્થાઓ કોન્ટેકટ ટ્રેસિંગ ટેક્નોલોજીના વિકલ્પો અજમાવવાના પ્રયાસ કરી રહ્યા છે. આ પ્રયાસોને બળ આપવા માટે ટૂલ્સ વિકસાવવા એપલ અને ગૂગલ ડેવલપર્સ ટૂલ્સ તરીકે ઓળખાતાં એપ્લીકેશન પ્રોગ્રામિંગ ઇન્ટરફેસ(એપીઆઇ) તથા ઓપરેટિંગ સિસ્ટમ ટેક્નોલોજી ધરાવતાં સોલ્યૂશન ઉપલબ્ધ કરાવશે.
બંને કંપનીઓ પોતપોતના એપ સ્ટોરમાં આગામી મે મહિનામાં એપ્પસ રિલિઝ કરશે. આ એપ બ્લ્યૂટૂથ આધારિત કોન્ટેક ટ્રેસિંગ પ્લેટફોર્મ હશે. બંને કંપનીઓનાં ટૂલ્સ એન્ડ્રોઇડ અને આઇઓએસ ડિવાઇસ વચ્ચે ઇન્ટરઓપરેબિલિટી ધરાવતાં હશે.
એપલના સીઇઓ ટીમ કૂકે જણાવ્યું હતું કે કોન્ટેક ટ્રેસિંગ થકી કોવિડ-19ના પ્રસારને ધીમો પાડવામાં મદદ મળશે અને કોઇ યૂઝરની પ્રાઇવસીનું ઉલ્લંઘન કર્યા વિના આ હેતુ સિદ્ધ કરી શકાશે.
કૂકના જણાવ્યા અનુસાર એપલ કંપની ગૂગલ સાથે જોડાઇને આરોગ્ય અધિકારીઓને પારદર્શકતા અને સંમતિ બંને સચવાય તે રીતે બ્લૂટૂથ ટેક્નોલોજીના ઉપયોગમાં મદદ કરી રહી છે.
ગૂગલના સીઇઓ સુંદર પિચાઇએ પણ ટીમ કૂકની સંવેદનાનો પડઘો પાડતાં કહ્યું છે કે ગૂગલના કોન્ટેક ટ્રેસિંગમાં યૂઝર પોતાની પ્રાઇવસી પર સંપૂર્ણ અંકુશ અને સંરક્ષણ ધરાવતા હોય તે સુનિશ્ચિત કરવામાં આવશે.
બ્લૂટૂથનો ઉપયોગ કરીને કોઇપણ ફોનનું લોકેશન ટ્રેક કરી શકાય છે. સેલ્યુલર સિગ્નલ કે જીપીએસ કરતાં પણ બ્લૂટૂથ વધારે સચોટ લોકેશન ડેટા ઉપલબ્ધ કરાવે છે. ગૂગલ અને એપલ જે એપીઆઇ ઉપલબ્ધ કરાવશે તેનો ઉપયોગ કરીને ડેવલપર્સ બ્લૂટૂથ આધારિત એવાં એપ બનાવી શકશે જે લોકોને તેઓ કોઇ કોવિડ-19ના દર્દીની સમીપ આવ્યા છે કે નહીં તેની જાણ કરશે.
જો કોઇ વ્યક્તિ પાસે ફોન છે અને તે એવી કોઇ વ્યક્તિની સમીપ આવ્યો છે જે બાદમાં કોવિડ-19 પોઝિટિવ જાહેર થઇ છે તે ફોનધારક યુઝર્સને તરત જ એલર્ટ કરી દેશે ગૂગલ દ્વારા જણાવાયું છે કે તે કોઇ વ્યક્તિને અન્ય વ્યક્તિની અંગત વિગતો નહીં આપે.આ ડેટાનો ઉપયોગ માત્ર સરકારી આરોગ્ય એજન્સીઓ દ્વારા કોવિડ-19ના પ્રસારના ખાળવાના હેતુસર જ થશે.
ભારતનું આરોગ્ય સેતુ, કોરિયા-સિંગાપોર પણ કરી રહ્યાં છે ઉપયોગ
ભારત સરકારે બ્લૂટૂથ આધારિત કોન્ટેક્ટ ટ્રેસિંગ માટે આરોગ્ય સેતુ એપ લોન્ચ કરી દીધું છે. કોવિડ-19નો પ્રસાર અટકાવવા માટે કોન્ટેક ટ્રેસિંગનો અસરકારક ઉપયોગ સાઉથ કોરિયાએ સૌ પ્રથમ કર્યો હતો.સિંગાપોરમાં પણ આ ટેક્નોલોજી અજમાવવામાં આવી રહી છે.
ગૂગલ-એપલ પાસે સમસ્ત વિશ્વનો ડેટા
ગૂગલ અને એપલ આ માટે સંયુક્ત પ્રયાસો હાથ ધરી રહ્યાં છે તે બહુ અગત્યની જાહેરાત છે કારણ કે આ બંને કંપનીઓ પાસે વિશ્વભરના કરોડો યૂઝર્સનાં લોકેશન સહિતની કેટકેટલીય બાબતોનો ડેટા છે. બંને કંપનીઓ આ ડેટા પ્રોસેસિંગ સહિતની બાબતો માટે જરૂરી ટેકનોલોજીકલ ક્ષમતા પણ ધરાવે છે.