ગુજરાતમાં કોરોના વાયરસે પગ પેસારો કર્યો છે ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી રહી છે. ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસનો આંકડો 33 પર પહોંચ્યો છે. રાજ્ય સરકાર દ્વારા કોરોના ગ્રસ્ત શહેરોમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે.
લોકડાઉનની પરિસ્થિતિ વચ્ચે શહેરોમાં જીવન જરુરિયાતની વસ્તુઓ ઈમરજન્સી સેવાઓ મળી રહેશે. આ ઉપરાંત કેટલાક લોકો લોકડાઉનની સ્થિતિ વચ્ચે અલગ-અલગ બહાનાઓ કરીને શહેરનો માહોલ જોવા પણ નીકળી રહ્યા છે ત્યારે પોલીસ દ્વારા આવા તમામ લોકો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે.
પોલોસ દ્વારા કેટલાક લોકોને હું સમાજનો દુશ્મન છું તેવા લખાણવાળા બોર્ડ હાથમાં પકડાવીને ફોટા પાડવામાં આવી રહ્યા છે, તો કેટલાક લોકોને જાહેર રસ્તા પર ઉઠક-બેઠક કરાવવામાં આવી રહી છે અને કેટલાક લોકો સામે પોલીસને બળ પ્રયોગ કરવાની પણ ફરજ પડી રહી છે.
લોકડાઉનની સ્થિતિ વચ્ચે સુરતના મોટા વરાછા વિસ્તારમાં આવેલી વસ્તુપૂજન રેસીડેન્સી દ્વારા અનોખી પહેલ કરવામાં આવી છે. રેસિડેન્સીના લોકો દ્વારા રેસિડેન્સીના પ્રવેશ દ્વાર પર એક ખાસ સ્ટીકર લગાડવામાં આવ્યું છે અને તેમાં લખવામાં આવ્યું છે કે ‘કોરોના વાયરસ ઝડપથી ફેલાતો હોવાથી બહારની વ્યક્તિએ સોસાયટીની અંદર પ્રવેશ કરવો નહીં. વાસ્તુપૂજન હાઇટ્સના તમામ સભ્યોની ગાડી પર સ્ટીકર હશે તો જ તેમણે અંદર પ્રવેશ કરવા દેવામાં આવશે જેથી કોઈ પણ સભ્યએ ખોટી તકરાર કરવી નહીં.’