દિગ્વિજયસિંહે કહ્યું- મધ્યપ્રદેશમાં કોંગ્રેસની સરકારને બચાવવી મુશ્કેલ
એજન્સી, ભોપાલ
મધ્યપ્રદેશમાં છેલ્લા પખવાડિયાથી ચાલી રહેલા રાજકીય નાટકનો આજે અંત નક્કી જણાઈ રહ્યો છે. ગુરુવારે સુપ્રીમ કોર્ટે કમલનાથ સરકારને આદેશ આપ્યો હતો અને શુક્રવારના વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ યોજવા જણાવ્યું હતું. કોંગ્રેસ અને ભાજપે પોતાના તમામ ધારાસભ્યોને આજે ગૃહમાં હાજર રહેવા માટે વ્હીપ જાહેર કરી દીધું છે. કમલનાથ દ્વારા સીએમ હાઉસ પર 12 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ બોલાવી છે જેમાં તે રાજીનામું આપ્યું હોવાની જાહેરાત કરી શકે છે. ગુરુવારે રાત્રે સ્પીકરે કોંગ્રેસના 16 બળવાખોર ધારાસભ્યોના રાજીનામા સ્વીકારી લીધા છે. આ રાજીનામા સ્વીકારી લીધા બાદ કોંગ્રેસના ધારાસભ્યોની કુલ સંખ્યા 92 થઈ ગઈ છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહે પણ સ્વીકાર્યું છે કે હવે રાજ્યમાં કોંગ્રેસની સરકાર સુરક્ષિત નથી અને બચાવવી મુશ્કેલ છે. ફ્લોર ટેસ્ટ વખતે શું ગણિત રહે છે તેના પર હવે સૌની નજર રહેલી છે.
કોંગ્રેસના 22 બળવાખોર એમએલએના રાજીનામા સ્વીકારી લેવાતા સંખ્યાબળની દ્રષ્ટિએ ભાજપ સૌથી મોટી પાર્ટી બની ગઈ છે. ભાજપ પાસે 107 ધારાસભ્યો છે. કોંગ્રેસ પાસે સ્પીકર સહિત 92 ધારાસભ્યો જ છે. કોંગ્રેસને અપક્ષ ઉપરાંત બસપા-સપાના સાત ધારાસભ્યોનું સમર્થન છે. ફ્લોર ટેસ્ટમાં કમલનાથ સમક્ષ બહુમત પુરવાર કરીને સરકાર બચાવવાનો પડકાર રહેલો છે.
સરકાર પડશે તો રાજ્યપાલ ભાજપને તક આપી શકે
શુક્રવારે ગૃહમાં કમલનાથ બહુમત મેળવવામાં નિષ્ફળ જશે અથવા ફ્લોર ટેસ્ટ અગાઉ રાજીનામું આપશે તો ભાજપ રાજ્યપાલ પાસે જઈને સરકાર રચવાનો દાવો કરશે. વર્તમાન એમએલએ સંખ્યા મુજબ ભાજપ પાસે બહુમત છે. એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે ફરી એકવખત શિવરાજ સિંહ ચૌહાણ રાજ્યના સીએમ બનશે. જો આમ થશે તો શિવરાજ રેકોર્ડ ચોથી વખત સીએમ પદના શપથ ગ્રહણ કરશે.
જાણો, મધ્યપ્રદેશ વિધાનસભાનું ગણિત
મધ્યપ્રદેશ વિધાનસભામાં બે ધારાસભ્યોના નિધન બાદ કુલ બેઠક = 228
કોંગ્રેસના 22 બળવાખોર ધારાસભ્યોના રાજીનામા સ્પીકરે સ્વીકારતા વિધાનસભામાં સંખ્યા (228-22) = 206
આ સ્થિતિમાં બહુમત માટે જરૂરી આંકડો = 104
ભાજપ પાસે સંખ્યા = 107 (બહુમત કરતા ત્રણ ધારાસભ્ય વધુ)
કોંગ્રેસની સંખ્યા = 92
અપક્ષ અને બસપા-સપાના ધારાસભ્યો = 7
*કોંગ્રેસ+ = 99 (બહુમત કરતા પાંચ ધારાસભ્યો ઓછા)