– સદભાવના સંમેલન દરમિયાન જગદીશ ઠાકોરે જો લઘુમતીઓ સાથ આપીને કોંગ્રેસની સરકાર લાવશે તો તેમને મકાન બનાવી આપવાનું વચન આપ્યું હતું
અમદાવાદ, તા. 22 જુલાઈ 2022, શુક્રવાર : કોંગ્રેસ માઈનોરિટી સેલના કાર્યક્રમ દરમિયાન બુધવારે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે લઘુમતી વર્ગ અંગે એક નિવેદન આપ્યું હતું. આ નિવેદન બાદ ગુજરાતનું રાજકારણ ગરમાયું છે તથા ભાજપ ઉપરાંત હિંદુ સંગઠનો પણ મેદાનમાં ઉતરી આવ્યા છે.
બજરંગ દળના કાર્યકરોએ ગુરૂવારે અમદાવાદ કોંગ્રેસની ઓફિસે પહોંચીને તેનું નામકરણ કરીને વિરોધ દર્શાવ્યો હતો.કાર્યકરોએ કોંગ્રેસ ઓફિસની દીવાલો પર પોસ્ટર્સ લગાવ્યા હતા જેમાં લખ્યું હતું કે, ‘આજથી આ કાર્યાલયનું નામ ગુજરાત કોંગ્રેસ સમિતીથી બદલીને હજ હાઉસ રાખેલ છે.’
કોંગ્રેસ કાર્યાલય ખાતે પોસ્ટર્સ લગાવવા ઉપરાંત કાર્યકરોએ પાર્ટી ઓફિસની બહાર ‘સદભાવના સંમેલન’નું એક બેનર હતું તેના સાથે પણ છેડછાડ કરી હતી.તેમણે એક બેનરમાં નવા નિમાયેલા કાર્યકારી પ્રમુખોને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી તેમાં કોંગ્રેસ નેતાઓની તસ્વીરો પર કાળી સ્યાહી ફેરવી દીધી હતી.રાજીવ ગાંધી ભવનની દીવાલો પર પણ કાળા રંગથી ‘હજ હાઉસ’ લખી દેવામાં આવ્યું હતું.
બજરંગ દળના કાર્યકરોએ પરિસરમાં લાગેલી દેશના પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની પ્રતિમા પર પણ ‘હજ હાઉસ’ લખેલું લીલા રંગનું સ્ટીકર લગાવી દીધું હતું.આ મામલે બજરંગ દળના પ્રવક્તાએ કોંગ્રેસ મુસ્લિમોની પાર્ટી હોવાથી તેમણે કાર્યાલયનું નામ હજ હાઉસ રાખ્યું તે અર્થનું નિવેદન આપ્યું હતું.આ સમગ્ર ઘટના બાદ શુક્રવારે સવારે તમામ પોસ્ટર્સ વગેરે દૂર કરીને ડેમેજ કંટ્રોલ કર્યું હતું અને બજરંગ દળ દ્વારા લખવામાં આવેલા લખાણો પર ફરી સફેદ રંગ કરવામાં આવ્યો હતો.
જગદીશ ઠાકોરે શું કહ્યું હતું
જગદીશ ઠાકોરે સદભાવના સંમેલન દરમિયાન દેશના પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના એક નિવેદનને ટાંકીને કહ્યું હતું કે, ‘કોંગ્રેસના પૂર્વ પ્રધાનમંત્રી ડોક્ટર મનમોહન સિંહે ડંકાની ચોટ પર કહ્યું હતું કે દેશની સંપત્તિ પર પહેલો હક લઘુમતીઓનો છે.’ તેમણે ઉમેર્યું હતું કે, આજે પણ કોંગ્રેસ પોતાની આ વિચારધારા સાથે જોડાયેલી છે.આવું બોલવાથી કેટલું નુકસાન થયું હતું અને કેટલું થશે એનો અંદાજ હોવા છતાં કોંગ્રેસ પાર્ટી પોતાની વિચારધારાને વરેલી છે.
જગદીશ ઠાકોરે ભાજપને ટાર્ગેટ કરીને કહ્યું હતું કે, ‘ભાજપ પાસે આજે કાર્યકરો નથી, તમામ કાર્યક્રમો સરકારના ખર્ચે કરાઈ રહ્યા છે.લઘુમતીના 20000 થી વધુ વોટ ધરાવતી રાજ્યમાં 60 બેઠકો છે, આ તમામ બેઠકો પર કાર્યક્રમો કરવાના છે. દરેક બેઠક પર લઘુમતીના દરેક ફિરકા અને જમાતને આમંત્રણ આપો.મતદાનના દિવસે મહત્તમ મતદાન કરવાનો પ્રયત્નો કરો.ચૂંટણીમાં ભાજપનો મતદાર મત આપ્યા વગર રહેતો નથી, તો આપણો મતદાર કેમ બાકી રહે છે? આપણું મતદાન ઓછું થાય છે એટલે આપણે સત્તામાં નથી.’
આ સાથે જ તેમણે મુસ્લિમોને એવી અપીલ કરી હતી કે, ‘તેઓ જો કોંગ્રેસની સરકાર બનાવવાનું નક્કી કરી દે તો કોંગ્રેસની સરકાર બનતાની સાથે જ તેમને મકાનો આપવામાં આવશે.અમદાવાદમાં જ્યાં-જ્યાં લઘુમતી વિસ્તારોમાં ઝૂંપડપટ્ટી છે, જેમની હાલત ખરાબ છે તે વિસ્તારોના નામો લખો અને નક્કી કરો કે કોંગ્રેસની સરકાર લાવીએ અને એક વર્ષમાં 10 માળની બિલ્ડીંગમાં રૂમ રસોડા સાથેના મકાનો કોંગ્રેસ આપશે.’
જગદીશ ઠાકોરે લઘુમતી સમાજને ઉદ્દેશીને કહ્યું હતું કે, રાજ્યમાં લઘુમતી સમાજના 20 હજારથી વધુ વોટ ધરાવતી 60 બેઠકો છે અને કોંગ્રેસ આ તમામ બેઠકો પર આવા કાર્યક્રમો કરવાની છે.દરેક બેઠક પર મુસ્લિમોના દરેક ફિરકા અને જમાતને આ કાર્યક્રમ માટે આમંત્રણ આપો. ભાજપ પહેલા ધર્મ વચ્ચે ઝગડા કરાવતું હતું, હવે જ્ઞાતિઓ વચ્ચે કરાવે છે.કોઈને એક છરી મારવાથી 5,000 વોટનો ફાયદો થતો હોય તો તે પણ કરે છે.


