વોશિંગટન, તા. 1 મે 2020, શુક્રવાર
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એક વખત ચીન પર કોરોના વાયરસ ફેલાવવાનો આક્ષેપ મુક્યો છે.તેમણે જણાવ્યું છે કે દુનિયા આખી વર્તમાન સમયે જે ખતરનાક કોરોના વાયરસ સામે લડી રહી છે,તેની ઉત્પતિ ચીનના વુહાનનામાં આવેલા લેબમાં થઇ છે.આ વાતના તેમની પાસે સબૂત પણ છે.ઉલ્લેખનીય છે કે અત્યાર સુધીમાં અવારનવાર ચીન પર આ વાયરસને દુનિયામાં ફેલાવવાના આરોપ લાગ્યા છે.વિવિધ દેશો દ્વારા લગાવવામાં આવેલા આરોપોને ચીન સતત નકારી રહ્યું છે.આ બધા વચ્ચે સૌથી કડક વલણ અમેરિકાનું જોવા મળી રહ્યું છે, કારણ કે વર્તમાન સમયે તે જ સૌથી વધુ પ્રભાવિત છે.
વ્હાઇટ હાઉસમાં એક કાર્યક્રમ દરમિયાન ટ્રમ્પ કોરોના વાયરસ મુદ્દે વાત કરી રહ્યા હતા.ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પે આ દાવો કર્યો હતો. મીડિયાએ જ્યારે તેમને પુછ્યું કે તેમની પાસે કોઇ સબૂત છે કે કોરોના વાયરસની ઉત્પતિ વુહાનની વાયરોલોજી લેબમાં જ થઇ છે? તેના જવાબમાં ટ્રમ્પે કહ્યું કે હા તેમની પાસે આ વાતના સબૂત છે,પરંતુ હું અત્યારે તમને તે વિશે નહીં જણાવી શકું. મને આમ કરવાની મંજૂરી પણ નથી.આ સિવાય ટ્રમ્પે ચીન પર નવો ટેરિફ લગાવવાની ધમકી પણ આપી છે.
ટ્રમ્પે જણાવ્યું કે અમે તપાસ કરી રહ્યા છીએ કે કોરોના વાયરસનો ફેલાવો ભુલથી થયો છે કે પછી આ ભુલને જાણી જાઇને કરવામાં આવી છે.આ વિશે જલ્દી બધાને ખબર પડી જશે. ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ ટ્રમ્પ ચીન પર આ પ્રકારના આક્ષેપ કરી ચુક્યા છે.ઉપરાંત તેઓ કોરોના વાયરસને પણ ચાઇનીઝ વાયરસ કહે છે.અમેરિકાનું કહેવું છે કે કોરોના વાયરસ વુહાનના એનિમલ માર્કેટમાંથી આવ્યો,તો ચીન કહે છે કે અમેરિકી સૈન્યએ આ વાયરસને ફેલાવ્યો છે.


