મુંબઈ : બોલિવૂડ અભિનેતા ટાઈગર શ્રોફની કાર પર મુંબઈના જુહુ વિસ્તારમાં થયેલા ગોળીબારના કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે.ઘટનાના માત્ર 15 કલાકની અંદર રાજસ્થાનની એન્ટી ટેરરિસ્ટ ફોર્સ અને કોટા શહેરની પોલીસે સંયુક્ત કાર્યવાહી કરીને એક સગીર સહિત ત્રણ શંકાસ્પદ આરોપીઓને ઝડપી લીધા છે.ત્રણેયને કોટા રેલવે સ્ટેશન પરથી મુંબઈ-દિલ્હી ઓગસ્ટ ક્રાંતિ એક્સપ્રેસ ટ્રેનમાંથી પકડવામાં આવ્યા હતા.મુંબઈના પોશ વિસ્તાર જુહુમાં આવેલા એક ફૂટબોલ ક્લબની બહાર ટાઈગર શ્રોફના વાહનને નિશાન બનાવીને ગોળીબાર કરવામાં આવ્યો હતો.આ ઘટનાથી મુંબઈના ફિલ્મ ઉદ્યોગમાં ચકચાર મચી ગઈ હતી.હુમલા સમયે અભિનેતા સુરક્ષિત રહ્યા હતા, જ્યારે તેમના ડ્રાઇવરને ઈજા પહોંચતાં તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
કોટાનાં પોલીસ અધિક્ષક તેજસ્વિની ગૌતમના જણાવ્યા અનુસાર, મુંબઈ પોલીસની ક્રાઇમ બ્રાન્ચે શંકાસ્પદોની હિલચાલ અંગે મહત્વપૂર્ણ માહિતી પૂરી પાડી હતી.તેના આધારે રાજસ્થાનની એન્ટી ટેરરિસ્ટ ફોર્સ અને કોટા પોલીસે સંકલન કરીને ટ્રેનમાં કાર્યવાહી હાથ ધરી હતી.મુંબઈથી દિલ્હી તરફ જઈ રહેલી ઓગસ્ટ ક્રાંતિ એક્સપ્રેસમાં સવાર ત્રણેય શંકાસ્પદોને કોટા રેલવે સ્ટેશન પરથી ઝડપી લેવામાં આવ્યા હતા.આ કાર્યવાહીમાં એક સગીરનો પણ સમાવેશ થાય છે.ગોળીબારની ઘટના બાદ આરોપીઓએ મુંબઈ છોડીને અન્ય શહેર તરફ જવાનો પ્રયાસ કર્યો હતો.પોલીસને મળેલી માહિતીના આધારે તેમની મુસાફરી દરમિયાન જ કાર્યવાહી કરવામાં આવી હતી,જેના કારણે તપાસ એજન્સીઓને ઝડપથી સફળતા મળી હતી.ટાઈગર શ્રોફ પર થયેલા ગોળીબારની ઘટનાએ ફરી એકવાર બોલિવૂડના કલાકારોની સુરક્ષાનો મુદ્દો ચર્ચામાં લાવ્યો છે.તાજેતરના વર્ષોમાં ફિલ્મ ઉદ્યોગ સાથે સંકળાયેલી હસ્તીઓને ધમકીઓ મળવી અને તેમના નિવાસસ્થાનો કે અન્ય સ્થળોએ ગોળીબારની ઘટનાઓને કારણે સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવવાની જરૂરિયાત ઊભી થઈ છે.હવે આ કેસમાં ધરપકડ કરાયેલા ત્રણેય શંકાસ્પદોની પૂછપરછ દ્વારા ગોળીબાર પાછળનો હેતુ, હુમલાની યોજના અને અન્ય સંભવિત સંડોવાયેલા લોકો અંગે તપાસ આગળ વધારવામાં આવશે.મુંબઈ પોલીસની તપાસમાં આ ધરપકડ મહત્વપૂર્ણ કડી સાબિત થઈ શકે છે.


