– નજરે જોનાર અમેલીયા જુલીયોએ કહ્યું હતું કે રિઝવાનને ભયભીત કરવા ૧૦ રાઉન્ડ ગોળીબાર કરવામાં આવેલ
પોરબંદરના વતની અને વિશ્વ વિખ્યાત ઉદ્યોગપતિ રીઝવાન આડતીયાનું ધોળે દિવસે આફ્રિકાના મોઝામ્બિક ખાતે તાજેતરમાં અપહરણ થયુ.આ લખાય છે ત્યાં સુધી રિઝવાનનો કોઈ પત્તો નથી અને અપહરણકારોએ કોઈ રકમની માંગણી પણ કર્યાનું જાણવા મળતુ નથી.દરમિયાન મોઝામ્બીક પોલીસના પ્રવકતાએ જણાવ્યુ છે કે માટોલા ખાતે ગયા ગુરૂવારે માપુટો શહેરની બહારથી રિઝવાનનું બંદૂકની અણીએ અપહરણ કરવામાં આવ્યુ હતું.બૈરો ડુ ફોમેન્ટો વિસ્તારમાંથી હાઈવે ઉપરથી રિઝવાન આડતીયા જાતે ડ્રાઈવીંગ કરી પસાર થઈ રહ્યા હતા ત્યારે ટ્રાફીક સિગ્નલની આગળ તેની કારને આંતરવામાં આવેલ તેમ નજરે જોનાર મહિલાએ જણાવેલ.આજે પત્રકાર પરિષદમાં આ તમામ વિગતો આ મહિલાએ આપી હતી.મોટરને આંતર્યા પછી ૪ અપહરણકારોએ તેમના હથિયારો તેમની સાથે તાકીને રિઝવાનને મોટરમાંથી બહાર આવવા ફરજ પાડેલ.માપુટો પ્રોવિન્સના પબ્લિક રિલેશન વડા જુરાસ માર્ટીને કહ્યું હતું કે અપહરણ શા માટે કરવામાં આવ્યુ તે હજુ સુધી જાણવા મળ્યુ નથી.
રિઝવાન આડતીયાને શોધી કાઢવા પોલીસ તમામ રસ્તાઓ અપનાવી રહી છે અને કોઈપણ ભોગે અપહરણકારોને પકડી લેવા પ્રયાસો થઈ રહ્યા છે. રિઝવાનના પરિવાર સાથે પોલીસ સતત સંપર્કમાં હોવાનું પણ માર્ટીને પત્રકારોને જણાવ્યુ હતું.તેમણે કહેલ કે હજુ સુધી કોઈપણ માંગણી કરવામાં આવી નથી.રિઝવાન આડતીયા સૌરાષ્ટ્રના પોરબંદરના રહેવાસી છે અને તેઓનું ખોજેફ ગ્રુપ ૩૫ હોલસેલ સુપર માર્કેટો ,૧૯૦ સ્ટોર,૪ ઔદ્યોગિક યુનિટો અને ૩૫૦૦ કર્મચારીઓનો કાફલો નવ આફ્રિકન દેશોમાં ધરાવે છે.તેઓ મોટા ગજાના ઉદ્યોગપતિ અને મોટા દાનવીર છે.રિઝવાન આડતીયા ફાઉન્ડેશન નામથી તેઓ શિક્ષણ,આરોગ્ય અને આફ્રિકા અને એશિયાના લોકોના આર્થિક વિકાસ માટે સતત પ્રવૃતીશીલ રહે છે.આફ્રિકામાં અને એશીયામાં તેના ફાઉન્ડેશન દ્વારા ૭,૪૦,૭૦૦ લોકોને લાભ મળી રહ્યો છે.મોઝામ્બીકમાં ૨૦૨૦ના પ્રારંભથી અત્યાર સુધીમાં આ ચોથો મોટો અપહરણનો બનાવ બન્યો છે.દરમિયાન જયાંથી રિઝવાન આડતીયાનું અપહરણ થયુ તે વિસ્તારમાં રહેતા પૌલીના એસ્ટેવાહોએ જણાવેલ કે,અપહરણ પછી વિજળીક ઝડપે વાહનમાં તેમને વાહનમાં ઉપાડી જવામાં આવેલ.આડતીયા અને અપહરણકારો વચ્ચે અથડામણ થઈ હોય તેવું પણ અમને લાગ્યુ હતું.આ પછી પોલીસને તરત જ જાણ કરવામાં આવી હતી.

