કોલકાતા : તૃણમૂલ કોંગ્રેસ (TMC)માં ચાલી રહેલા આંતરિક મતભેદો અને સંગઠનાત્મક પડકારો વચ્ચે પક્ષ પ્રમુખ મમતા બેનરજીએ મોટો નિર્ણય લેતા પક્ષની તમામ સમિતિઓ અને ફ્રન્ટલ સંગઠનોને તાત્કાલિક અસરથી ભંગ કરી દીધા છે. પક્ષે સત્તાવાર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ અંગે જાહેરાત કરી હતી.પક્ષના નિવેદન અનુસાર, સંગઠનના હિતમાં વ્યાપક વિચાર-વિમર્શ અને સમીક્ષા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.તૃણમૂલ કોંગ્રેસે જણાવ્યું છે કે હવે સમગ્ર સંગઠનના પુનર્ગઠન માટે વ્યાપક પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.તૃણમૂલ કોંગ્રેસ હેઠળ યુવા,મહિલા,વિદ્યાર્થી અને મજૂર મોરચા સહિત આશરે 16 ફ્રન્ટલ સંગઠનો કાર્યરત હતા.આ ઉપરાંત રાજ્ય, જિલ્લા અને બ્લોક સ્તરની વિવિધ સમિતિઓ પણ સંગઠનના કામકાજમાં મહત્વની ભૂમિકા ભજવતી હતી.
પક્ષના સૂત્રોના જણાવ્યા મુજબ, તાજેતરના રાજકીય પડકારો બાદ સંગઠનની અંદર કેટલાક સ્તરે અસંતોષ અને જૂથબંધીની સ્થિતિ જોવા મળી રહી હતી.આવી સ્થિતિમાં સંગઠનને વધુ મજબૂત અને સક્રિય બનાવવા માટે નેતૃત્વે સમગ્ર માળખાની સમીક્ષા કરવાનો નિર્ણય લીધો છે.પક્ષે જણાવ્યું છે કે આગામી દિવસોમાં તમામ સ્તરે આત્મનિરીક્ષણ,સંગઠનાત્મક મૂલ્યાંકન અને નેતાઓના કાર્યની સમીક્ષા કરવામાં આવશે.આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ મુખ્ય સંગઠન તેમજ તમામ અનુષંગિક સંગઠનોનું નવા માળખા સાથે પુનર્ગઠન કરવામાં આવશે.
તૃણમૂલ કોંગ્રેસે ભારપૂર્વક જણાવ્યું છે કે સંગઠનને વધુ સશક્ત બનાવવા અને ભવિષ્યના રાજકીય પડકારોનો અસરકારક રીતે સામનો કરવા માટે આ પગલું લેવામાં આવ્યું છે.નવી સમિતિઓ અને સંગઠનાત્મક માળખાની જાહેરાત યોગ્ય સમયે કરવામાં આવશે.


