અમદાવાદ
અદાણી એન્ટરપ્રાઈસીસનો માર્ચના ક્વાર્ટરનો નેટ પ્રોફિટ 63.57 ટકા ઘટીને ~96.93 કરોડ થયો હતો.કંપનીએ ગયા વર્ષે આ ગાળામાં ~266.09 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો હતો. કંપનીની કોન્સોલિડેટેડ કુલ આવક 2 ટકા વધીને ~13,698 કરોડ થઈ હતી,જે ગત વર્ષે આ ગાળામાં ~13,473 કરોડ હતી. અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ કહ્યું હતું કે “અદાણી એન્ટરપ્રાઈસીસે હંમેશા તેના બિઝનેસ મારફતે રાષ્ટ્રનિર્માણની દિશામાં પ્રયાસ કર્યા છે. કંપનીએ તેના બિઝનેસ દ્વારા ઉત્કૃષ્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષમતા ઊભી કરીને સતત વૃદ્ધિ પર ફોકસ કર્યું છે. કોરોના વાયરસને કારણે લોકડાઉનને પગલે બિઝનેસ પ્રવૃત્તિ પર અસર થઈ છે, તેમ છતાં અદાણી ગ્રુપ આ કસોટીના સમયમાં દેશવાસીઓને સતત સહયોગ કરતું રહેશે. સ્થિતિ સામાન્ય થશે એટલે આપણે ફરી વધારે મજબૂત બનીને ઊભરીશું.બિઝનેસ ક્ષેત્રે સતત નવા સાહસો દ્વારા રોકાણકારો માટે લાંબા ગાળે વેલ્યૂ ક્રિએશન પર ભાર મૂકીશું.”
કંપનીએ કહ્યું હતું કે 2019-20માં તેની કોન્સોલિડેટેડ કુલ આવક 8 ટકા વધીને ~44,086 કરોડ થઈ હતી, જે ગત વર્ષે આ ગાળામાં ~40,951 કરોડ હતી.કંપનીએ કહ્યું હતું કે રિન્યૂએબલ જનરેશન અને સિટિ ગેસ ડિસ્ટ્રિબ્યુશન બિઝનેસ ડિમર્જ કર્યા પછી તેના શેરધારકોના શેરની વેલ્યૂમાં છેલ્લાં ત્રણવર્ષમાં સરેરાશ વાર્ષિક 45 ટકા વૃદ્ધિ થઈ છે. કંપનીએ તેના માઈનિંગ સર્વિસીઝ બિઝનેસ અંગે કહ્યું હતું કે છત્તીસગઢમાં પરસા કેન્ટ કોલ માઈન ખાતે વોલ્યૂમ માર્ચના ક્વાર્ટરમાં 45.3 લાખ ટન રહ્યું હતું, જે ગત વર્ષે આ ગાળામાં 49.2 લાખ ટન હતું. તાજેતરમાં ત્યાં ગારે પેલમા-3 માઈન ખાતે કોલસાનું ઉત્પાદન શરૂ થઈ ગયું છે અને વોલ્યૂમ માર્ચના ક્વાર્ટરમાં 4.5 લાખ ટન થયું હતું.કંપનીએ સોલાર બિઝનેસ અંગે કહ્યું હતું કે મુંદ્રા સેઝ ખાતે તેણે દેશનું સૌથી મોટા સોલાર સેલ અને મોડ્યૂલ મેન્યુફેક્ચરિંગ યુનિટ સ્થાપ્યું છે.આ પ્લાન્ટની ક્ષમતા 1.2 ગીગા વોટ છે.માર્ચના ક્વાર્ટરમાં ત્યાં 193 મેગાવોટ મોડ્યૂલનું વોલ્યૂમ રહ્યું હતું.
એગ્રો બિઝનેસ અંગે કંપનીએ કહ્યું હતું કે તેની ફોર્ચ્યૂન બ્રાન્ડ સાથે તેણે માર્કેટ લીડરશિપ પોઝિશન જાળવી રાખી છે અને રિફાઈન્ડ ખાદ્યતેલ માર્કેટમાં 20 ટકાથી વધુ હિસ્સો જાળવ્યો છે. રોડ નિર્માણમાં કંપનીએ નેશનલ હાઈવે ઓથોરિટી સાથે હાઈબ્રિડ એન્યુઈટી મોડેલ હેઠળ 150 કિલોમીટરથી વધુના ત્રણ કન્સેશન એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કર્યા છે. બિલાસપુર-પથરાપલી પ્રોજેક્ટમાં 40 ટકા કામ પૂરું થઈ ગયું છે. કંપનીએ ઉમેર્યું હતું કે તેણે અમદાવાદ, મેંગલોર, લખનૌ, ત્રિવેન્દ્રમ, જયપુર અને ગુવાહાટી ખાતે એરપોર્ટ સર્વિસીઝ માટે બિડ જીતી છે. અમદાવાદ, મેંગલોર અને લખનૌ માટે કન્સેશન એગ્રીમેન્ટ થઈ ગયા છે.


