– બેન્કને 2016માં થયેલા ઓડિટ દરમિયાન કૌભાંડની ગંધ આવી, પરંતુ ચાર વર્ષે કાર્યવાહી શરુ થઇ
નવી દિલ્હી,
દેશની બેન્કોના કરોડો-અબજો રુપિયાનું કૌભાંડ કરી વિદેશ ભાગી જનારાઓની સંખ્યા સતત વધી રહી છે. આ યાદીમાં બાસમતી ચોખાની એક વેપારી કંપની રામદેવ ઇન્ટરનેશન લિમિટેડના માલિકનું નામ પણ ઉમેરાયુ છે.આરોપ છે કે દિલ્હીમાં રહેતો આ કંપનીનો માલિક એસબીઆઇ સહિત અન્ય બેન્કોનુ આશરે 400 કરોડ રુપિયાનું દેવુ કરી ભાગી છૂટ્યો છે. ચોંકાવનારી બાબત એ છે કે,ચાર વર્ષથી તેની સામે કોઇ ફરિયાદ કે કેસ થયો નથી.હવે જાહેર થયુ છે કે,કૌભાંડી વિદેશ ભેગો થઇ ગયો છે.
સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાની ફરિયાદ પર સીબીઆઇએ કંપનીના માલિક અને તેના ચાર ડાયરેક્ટર્સ વિરુદ્ધ કેસ નોંધ્યો છે.તપાસમાં ખુલાસો થયો હતો કે ચોખા વેચતી કંપનીનો માલિક એસબીઆઇ સહિત છ બેન્કો પાસેથી ઉધાર લઇ 2016થી ગુમ થઇ ગયો છે.
પ્રાપ્ય માહિતી મુજબ રામદેવ ઇન્ટરનેશનલે કુલ 414 કરોડ રુપિયા બેન્કો પાસેથી લોન પેટે લીધા હતા,જેમાંથી 173.11 કરોડ રુપિયા એસબીઆઇ, 76.09 કરોડ કેનેરા બેન્ક પાસેથી, 64.31 કરોડ યૂનિયન બેન્ક પાસેથી,51.31 કરોડ સેન્ટ્રલ બેન્ક પાસેથી,36.91 કરોડ કોર્પોરેશન બેન્ક અને 12.27 કરોડ આઇડીબીઆઇ બેન્ક પાસેથી લોન પેટે લીધા હતા.
એસબીઆઇના કહેવા મુજબ વર્ષ 2016માં કરવામાં આવેલા ઓડિટને આધારે કૌભાંડનો અંદાજો મળ્યો હતો.બેન્કે સ્પષ્ટતા પણ કરી હતી કે તેની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં મોડૂ નથી થયુ,કૌભાંડનો ખુલાસો એક ત્રીસ લાખના પેયમેન્ટને લઇને કરવામાં આવેલી કાર્યવાહી દરમિયાન થયો હતો.


