– નાના બિઝનેસ માટે ક્રેડિટ ગેરન્ટી સ્કીમ : પરપ્રાંતિય કામદારો માટે રોકડ સહાય જાહેર થશે : પેકેજનું કદ નક્કી થઇ ગયું : એલાન તબક્કાવાર કરવા વિચારણા
નવી દિલ્હી, તા. ૧૧ : કેન્દ્ર સરકાર ચાલુ સપ્તાહે બહુ પ્રતિક્ષિત બીજું સ્ટિમ્યુલસ પેકેજ જાહેર કરે તેવી શકયતા છે.અધિકારીઓના જણાવ્યા અનુસાર પેકેજમાં નાના બિઝનેસ માટે તરલતાની સમસ્યા હળવી કરવા ક્રેડિટ ગેરંટી સ્કીમ તેમજ પરપ્રાંતિય કામદારો માટે રોકડ સહાય પણ સામેલ હશે.પેકેજનો પ્રથમ ભાગ લગભગ તૈયાર થઇ ચૂકયો છે અને ચાલુ સપ્તાહે તે જાહેર કરવામાં આવશે.અધિકારીઓના જણાવ્યા અનુસાર લોકડાઉનનો ત્રીજો તબક્કો ૧૭ મેના રોજ પૂરો થઇ રહ્યો છે.સરકાર અર્થતંત્રની સ્થિતિની સમીક્ષા કરી રહી છે ત્યારે પેકેજની જાહેરાત તબક્કાવાર ધોરણે કરાશે.ત્યાર પછી સૌથી વધુ નુકસાન વેઠનારા સર્વિસિસ સેકટર માટે પેકેજ આવશે.નાણાપ્રધાન નિર્મલા સીતારામન અને નાણામંત્રાલયના અધિકારીઓએ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને વડાપ્રધાન કાર્યાલય (PMO) ના અધિકારીઓ સાથે પેકેજના વિવિધ પાસાં નક્કી કરવા શ્રેણીબદ્ધ બેઠકો કરી હતી.PMO સમગ્ર પ્રક્રિયા પર ચાંપતી નજર રાખે છે અને તે વિવિધ પક્ષકારો સાથે સીધા સંપર્કમાં છે.
સરકારે ચાલુ વર્ષ માટે ઋણનો લક્ષ્યાંક અગાઉના રૂા.૭.૮ લાખ કરોડ (બજેટનો અંદાજ) થી વધારી રૂા.૧ર લાખ કરોડ કર્યો છે તેનો અમુક હિસ્સો સ્ટિમ્યુલસ પેકેજ માટે વાપરવામાં આવશે.અગાઉ સરકારે રૂા.૧.૭ લાખ કરોડનું પેકેજ જાહેર કર્યું હતું.જેમાં ગરીબોને રપ માર્ચે લોકડાઉનનો અમલ શરૂ થયો ત્યાર પછી તરત રોકડ સહાય,વિનામૂલ્યે અનાજ અને રાંધણ ગેસની વેચણી કરવામાં આવી હતી.ક્રેડિટ ગેરીં સ્કીમને પગલે બેન્કો માઇક્રો,સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઇઝીસ (MSMEs)ને ધિરાણ કરવામાં ખચકાટ નહીં અનુભવે.ઉપરાંત,પરપ્રાંતિય કામદારોને નાણાકીય સહાયના મુદ્દાને પણ અગ્રિમતા આપવામાં આવશે.PSU બેન્કોએ રૂા.૩૦,૦૦૦ કરોડના ગેરંટી ફંડનું સૂચન કર્યું છે જે ત્રણ-ચાર વર્ષમાં ઉભું કરી શકાશે.અધિકારીના જણાવ્યા અનુસાર આવું ફંડ લગભગ રૂા.૩ લાખ કરોડની લોન માટે ૧૦૦ ટકા સુધીની ગેરંટી આપશે.જો કે,સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ બેન્ક ઓફ ઇન્ડિયા (SIDBI) અને જાહેર ક્ષેત્રની બેન્કોએ ગેરંટીનો આંશિક બોજ વેઠવાનો રહેશે.


