– પત્રકારે કોરોના વાયરસના પરીક્ષણને લઈને સવાલ પૂછતા ટ્રમ્પે કહ્યું- ચીનને આ પ્રશ્ન પૂછો
વોશિંગ્ટન : અમેરિકામાં કોરોનાના સતત વધતા કેસો વચ્ચે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો વર્તન પણ વધુ એક વખત ચર્ચાનું કેન્દ્ર બન્યું છે.વ્હાઈટ હાઉસમાં પત્રકાર પરિષદ દરમિયાન એક મહિલા પત્રકારે ટ્રમ્પને પ્રશ્ન પૂછ્યો તો ટ્રમ્પે તેમને આ પ્રશ્ન ચીનને પૂછવા જણાવ્યું હતું.આટલું જ નહીં તેમણે બીજા પ્રશ્નનો જવાબ પણ આપ્યો નહીં અને પ્રેસ કોન્ફરન્સ અધવચ્ચે છોડીને ચાલ્યા ગયા હતા.ટ્રમ્પનું આ પ્રકારનું વર્તન કંઈ નવું નથી.અગાઉ પણ તેમણે વ્હાઈટ હાઉસ હોલમાં પત્રકારોના સવાલોના જવાબ આપવાનું ટાળી પત્રકાર પરિષદ અધવચ્ચે છોડી દીધી હતી.
પત્રકારના સવાલ પર ટ્રમ્પ ભડક્યા
વ્હાઈટ હાઉસમાં અમેરિકામાં કોરોનાની તાજેતરની માહિતી આપવા માટે દરરોજ રોઝ ગાર્ડનમાં પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવે છે.આ પ્રેસ કોન્ફરન્સમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પ હાજર રહે છે.ઉલ્લેખનીય છે કે વ્હાઈટ હાઉસના બે કર્મીઓને પણ કોરોના થયો હોવાથી દરરોજ રોઝ ગાર્ડનમાં સોશિયલ ડિસ્ટન્ટસિંગ સાથએ પત્રકાર પરિષદ યોજાઈ છે. દરમિયાન એક એશિયન અમેરિકન પત્રકાર જિયાંગે ટ્રમ્પને પ્રશ્ન પૂછ્યો કે જ્યારે યુએસમાં 80,000થી વધુના મોત થઈ ચૂક્યા છે ત્યારે તેઓ કોરોના વાયરસના પરીક્ષણને વૈશ્વિક સ્પર્ધાના રૂપમાં શા માટે જોઈ રહ્યા છે?
મને નહીં, ચીનને પૂછોઃ ટ્રમ્પ
આ પ્રશ્નનો જવાબ આપતા ટ્રમ્પ અકળાયા હતા અને તેમણે પત્રકારને તોછડાઈથી જણાવ્યું કે,વિશ્વમાં બધી જ જગ્યાએ મોત થઈ રહ્યા છે,તમે મને નહીં ચીનને આ પ્રશ્ન પૂછો ત્યારબાદ ટ્રમ્પે સીએનએનના વ્હાઈટ હાઉસના સંવાદદાતા કેટલન કોલિન્સને બીજો પ્રશ્ન પૂછવા જણાવ્યું પરંતુ જિયાંગે બીજો પ્રશ્ન કર્યો કે તમે મને વિશેષરૂપે આવું શા માટે કહી રહ્યા છો? ટ્રમ્પે જવાબમાં જણાવ્યું કે,હું તમને જણાવી દઉં કે,વિશેષ રૂપે હું કોઈને આમ નથી કહી રહ્યો પરંતુ આ જવાબ એ તમામ લોકો માટે છે જે મને ખરાબ પ્રશ્ન પૂછે છે.જિયાંગે બચાવમાં જણાવ્યું કે આ ખરાબ પ્રશ્ન નથી.જેનો વળતો પ્રત્યુત્તર આપતા ટ્રમ્પે કહ્યું કે,આનાથી શું ફરક પડે છે? ત્યારબાદ અન્ય પત્રકારે કરેલા સવાલનો જવાબ પણ ટ્રમ્પે આપ્યો નહતો અને તેઓ પ્રેસ કોન્ફરન્સ અધવચ્ચે છોડીને જતા રહ્યા હતા.


