અમદાવાદ : દેશમાં જ્યારે સપ્લાય ચેઈનની સમસ્યા છે અને શ્રમિકોની અછત વર્તાઈ રહી છે,ત્યારે અદાણી વિલ્મર લિમિટેડ બજારમાં ફૂડ પ્રોડકટસ અને ખાદ્યતેલની તંગી ઉભી થાય નહીં તે માટે તેના તમામ પ્લાન્ટસ કાર્યરત રાખવા સતત પ્રયાસ કરી રહી છે.કંપની તેના કર્મચારીઓની સલામતી અને સ્વાસ્થ્ય માટે તથા કોરોના વાયરસ પ્રસરે નહીં તે માટે તમામ પ્રોટોકોલનું પાલન કરી રહી છે.વધુમાં કંપનીએ હાલમાં જ પૂર્વ ભારતની બજારમાં સુગરનું વેચાણ શરૂ કર્યું છે અને હવે ઉત્તર ભારતમાં આગામી મહિનાથી કામગીરી શરૂ કરશે.
અદાણી વિલ્મર લિ.ના ડેપ્યુટી સીઈઓ અંગ્શુ મલ્લીકે જણાવ્યું હતું કે,લૉકડાઉનની જાહેરાત થઈ તે સમયે અમારી ક્ષમતા વપરાશ લોજીસ્ટીકલ મુદ્દાઓને કારણે તાત્કાલિક ઘટીને 50 ટકા થઈ ગઈ હતી.કાચો માલ ઉપલબ્ધ ન હતો અને કામદારોની અછત પણ નડી રહી હતી.હાલમાં અમે 70 ટકા ક્ષમતા સાથે કામ કરી રહ્યા છીએ અને વહેલામાં વહેલી તકે પૂર્ણ ક્ષમતાએ પહોંચવાનો ઉદ્દેશ ધરાવીએ છીએ.આમ છતાં,આવશ્યક કેટેગરીમાં મોટી કંપની હોવાના કારણે અમે એ બાબતની ખાત્રી રાખી રહ્યા છીએ કે બજારમાં ખાદ્ય તેલ અને ફૂડ પ્રોડક્ટસની તંગી વર્તાય નહીં.શ્રમિકોની મોટાપાયે હિજરતને કારણે અદાણી વિલ્મર તેનું કામકાજ હાલમાં 50 થી 60 ટકા કામદારો સાથે ચલાવી રહી છે.


