– તાકીદે સમીક્ષા કરી રાહત આપવા CAITની માંગ
મુંબઇ, તા.૧૮: કેન્દ્ર સરકાર દ્વારા કોરોના સામેની લડતમાં અર્થતંત્રને બેઠું કરવા માટે રૂપિયા ૨૦ લાખ કરોડના પેકેજની તબક્કાવાર જાહેરાત કરી છે પરંતુ,આ પેકેજમાં વેપારી આલમ માટે કોઇ મહત્ત્વની જાહેરાત નહિ થતા વેપારી વર્ગમાં નારાજગી પ્રવર્તી રહી છે.વેપારીઓના રાષ્ટ્રવ્યાપી સંગઠન (કોન્ફેડેરશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ) દ્વારા આ બાબતે નારાજગી દર્શાવી વેપારીવર્ગ માટે તાકીદે પગલાં ભરવા માગ કરી છે.સીએઆઇટીના રિજિયન પ્રેસિડેન્ટ પ્રમોદ ભગતે જણાવ્યું હતું કે,રાહત પેકેજમાં વેપારી વર્ગની અવગણના કરવામા આવી છે.જે સંદર્ભમાં સંગઠનના રાષ્ટ્રિય અધ્યક્ષ બી.સી.ભરતીયા તથા રાષ્ટ્રિય મહામંત્રી પ્રવીણ ખંડેલવાલે વડાપ્રધાનને પત્ર પણ લખ્યો છે.જેમાં વેપારીઓની ઉપેક્ષા બાબતે નિરાશા વ્યકત કરી છે.
ઉપરાંત તાકીદે વેપારી વર્ગ માટે રાહતરૂપ પગલાં ભરવાની માગ કરવામાં આવી છે.પ્રમોદ ભગતે જણાવ્યું હતું કે,કોરોના મહામારીની સ્થિતિમાં પણ રિટેઇલ વેપારીઓએ યોદ્ઘા તરીકે કામગીરી કરી છે.આર્થિક પેકેજ માટે વેપારીઓ દ્વારા કરવામાં આવેલી માગણીઓ સ્વીકારાઇ નથી.વેપારીઓ સાથે જાણે સોતેલો વ્યવહાર થયો છે.હાલમાં વેપારીઓની આર્થિક સ્થિતિ ડામાડોળ થઇ છે.પગાર ચુકવણી માટે સરકારના સહકારથી યોજના,વ્યાજમાફી,ઓછા વ્યાજની લોન સહિતની માગ કરવામાં આવી હતી.જે પૈકી કોઇ માગ સ્વીકારાઇ નથી.આ સ્થિતિમાં કોઇપણ મદદ નહિ મળવાના કારણે વેપારીઓની મુશ્કેલી વધશે.લોકડાઉન બાદ ૨૦ ટકા વેપારીઓએ તેમનો વ્યવસાય બંધ કરવાની સ્થિતિ બનશે.ઉપરાંત તેઓ પર નભતા અન્ય ૧૦ ટકા વેપારીઓને અસર થશે.સરકારે તાકીદે વેપારી આલમ માટે રાહતો જાહેર કરવી જોઇએ.

