વલસાડ,17 મે : વલસાડ જિલ્લાના વાપીમાં વીઆઇએ દ્વારા લોકડાઉનના પ્રારંભથી અનેક કામગીરી કરાઇ હતી,પરંતુ હાલ વીઆઇએ દ્વારા સીએસઆરમાંથી ફંડ આપવા એકમોને અનુરોધ કરતાં ઉદ્યોગપતિઓમાં કચવાટ ફેલાયો છે.કારણ કે લોકડાઉનના કારણે કામદારોના પગાર કરવા મુશ્કેલ બની રહ્યાં છે એવા સમયે સીએસઆર ફંડ કેવી રીતે આપવું તે પ્રશ્ન ઉઠી રહ્યો છે.જો કે વીઆઇએ હોદેદારોના મતે ઉદ્યોગપતિઓના સામેથી ફંડ આપવા ફોન આવી રહ્યાં છે.આ ફરજિયાત નથી.કંપની બંધ હોય તેવો ફંડ આપી શકે તેમ ન હોવાનું જણાવ્યું હતું.વાપી વીઆઇએ દ્વારા કોરોના વાઇરસને અટકાવવા વિવિધ કાર્યો કરાયા છે.જેમાં અનાજ કીટ,માસ્ક, સેનિટાઇઝર,ગરમ પાણીની બોટલો,હેન્ડવોશ,શ્રમિકો માટેની વ્યવસ્થા સહિત અનેક વસ્તુઓનું વિતરણ કરાયુ છે પરંતુ હાલ વીઆઇએ દ્વારા સીએસઆરમાંથી ફંડ આપવા માટે ઉદ્યોગપતિઓને જાણ કરાતાં કચવાટ ઊભો થયો છે કારણ કે હાલ એકમોની હાલત કફોડી છે.આવા સમયે ફંડ આપી શકાય નહિ એવું ઉદ્યોગકારો જણાવી રહ્યાં છે.
સીએસઆર ફંડ મામલે કેટલાક ઉદ્યોગપતિઓમાં નારાજગી છે.આ અંગે પુછતાં વીઆઇએ પ્રમુખ પ્રકાશ ભદ્રાએ જણાવ્યુ હતુ કે કેટલાક ઉદ્યોગકારોના સામેથી ફોન આવી રહ્યાં છે.જેઓ સીએમ અને પીએમ ફંડ માટે મોટી રકમ આપી શકે તેમ નથી.જેથી તેઓએ વીઆઇએના માધ્યમથી કામગીરી કરવા કહ્યુ હતું.અત્યાર સુધીમાં કુલ રૂ.10 લાખનો ખર્ચ થયો છે.આ તમામ હિસાબનું ઓડિટ થશે.આ ઉપરાંત આ સીએસઆર ફંડ આપવુ ફરજિયાત નથી. છેલ્લા બે મહિનાથી લોકડાઉનને કારણે નાના ઉદ્યોગોની હાલત ખરાબ છે.કંપની બંધ હોય તેવો ફંડ આપી શકે તેમ ન હોવાનું જણાવે છે.


