નવી દિલ્હી : કેર રેટિંગ્સે કહ્યું છે કે કોરોના અને તેને પગલે લાગુ કરાયેલા લોકડાઉનને કારણે દેશના કોટન યાર્ન ઉદ્યોગને વ્યાપક અસર થશે અને તેમાં આવક અને નફો તથા માર્જિન ટૂંકા ગાળા માટે ઘટશે. માંગમાં ઘટાડો થવાથી અને અનેક મેન્યુફેક્ચરિંગ યુનિટ્સ બંધ રહેવાને કારણે નરમાઈ જોવા મળશે.રેટિંગ એજન્સીએ કહ્યું હતું કે સ્થાનિક માંગ ઘટી ગઈ છે અને નિકાસ ક્ષેત્રે પણ સ્થિતિ વિપરીત હોવાથી નજીકના સમયગાળામાં (બે ક્વાર્ટરમાં) આ સેક્ટર માટે પડકારજનક સ્થિતિ ઊભી થશે. તેને કારણે કંપનીઓની આવક ઘટશે અને નફાકારકતા પણ ઘટશે.માર્જિન પર પણ અસર થશે. ઘણી કંપનીઓનો ડેટ કવરેજ રેશિયો પણ ઘટશે.મોટાભાગની કંપનીઓની લિક્વિડિટી ઘટશે.
રિપોર્ટ અનુસાર વધુ દેવું ધરાવતી નાની કંપનીઓની હાલત વધારે કફોડી થશે કારણ કે તેમને બેન્કો પણ જલદીથી લોન નહીં આપે.તેમની પાસે લિક્વિડિટી બફર પણ મર્યાદિત હોય છે અને કોરોનાને કારણે તેમાં વધારે મુશ્કેલી સર્જાશે.કોટન સ્પિનિંગ ઈન્ડસ્ટ્રીમાં કોરોના પહેલાં પણ અનેક સમસ્યાઓ ઊભી જ હતી.માંગ અગાઉ પણ ઓછી હતી,ટેક્સ સ્ટ્રક્ચર પ્રતિકૂળ હતું અને કોટન ફાઈબરના ભાવમાં પણ સારી એવી વધ-ઘટ થતી હતી.હવે તેમાં કોરોનાને કારણે સમસ્યા વધી છે.આ ઉદ્યોગમાં 2014-15થી માંગ મર્યાદિત જ રહી છે.તેમાં વચ્ચે-વચ્ચે સારા તબક્કા પણ આવ્યા છે.2019-20માં સ્થિતિ સુધરવાની ધારણા હતી.ગત વર્ષે કપાસનો બમ્પર પાક આવવાની ધારણાથી આ ઉદ્યોગને રાહત હતી.પરંતુ તેનો અને ફાઈબરના નીચા ભાવનો જે લાભ મળવાનો હતો તે કોરોના અને લોકડાઉને કારણે ધોવાઈ ગયો છે.
કોટન યાર્નની નિકાસ પણ છેલ્લાં કેટલાક વર્ષોથી નબળી રહી છે. કારણ કે ચીન તરફથી માંગ ઘટી છે.ભારત કોટન યાર્નની સૌથી વધુ નિકાસ ચીનમાં કરે છે.2013-14થી 2016-17 દરમિયાન ચીન ખાતે કોટન યાર્નની નિકાસમાં 25 ટકાનો ઘટાડો થયો હતો. 2017-18ની સરખામણીમાં 2018-19માં તેમાં 47 ટકાનો વધારો થયો હતો.પરંતુ 2019-20ના પ્રથમ 10 મહિનામાં તેમાં 43 ટકાનો નોંધપાત્ર ઘટાડો થયો હતો.ચીનની કોટન યાર્નની ખાસ્સી એવી માંગ હવે વિયેતનામ પૂરી પાડે છે,જેને ચીન ડ્યૂટી-ફ્રી એક્સેસ આપે છે.ચીનની કંપનીઓએ છેલ્લાં કેટલાક વર્ષોમાં વિયેતનામમાં મોટાપાયે રોકાણ કર્યું છે અને સ્પિનિંગ કેપેસિટી વધારી છે.ત્યાં લેબર કોસ્ટ સસ્તો છે.2019માં ચીને પાકિસ્તાનને ઝીરો ડ્યૂટી સાથે 3,50,000 ટન યાર્ન સપ્લાય કરવાની મંજૂરી આપી હતી.ભારતીય કોટન યાર્ન પર ચીનમાં 3.5 ટકા ડ્યૂટી લાગુ થાય છે. 2019-20ના પ્રથમ નવ મહિનાના ગાળામાં દર મહિને સરેરાશ ~1616 કરોડના કોટન યાર્નની નિકાસ થઈ હતી,જે અગાઉના વર્ષે આ ગાળામાં થયેલી સરેરાશ ~2278 કરોડની નિકાસ કરતાં ખાસ્સી ઓછી છે. ભારતીય કોટન ફાઈબરના ભાવ મક્કમ રહ્યા છે.


