સરકારની જાહેરાત પ્રમાણે, ચારેય જિલ્લાના ખેડૂતોને પાક નુકસાની અને રાહત પેકેજ અંતર્ગત પ્રતિ હેક્ટર ₹8,500ની નાણાકીય સહાય આપવામાં આવશે.આ સહાય માટે વધુમાં વધુ બે હેક્ટર જમીનની મર્યાદા નક્કી કરવામાં આવી છે.એટલે કે પાત્રતા ધરાવતા ખેડૂતને બે હેક્ટર સુધીની જમીન માટે સહાય મળી શકશે.ઓછા વરસાદને કારણે પાક ઉત્પાદન પર પડેલી અસર વચ્ચે આર્થિક સહાય ખેડૂતોને ખેતીના ખર્ચ અને ઘરખર્ચનું ભારણ ઘટાડવામાં મદદરૂપ બની શકે છે.પશુપાલકો માટે પણ વિશેષ સહાયની વ્યવસ્થા કરવામાં આવી છે.પશુદીઠ દરરોજ ₹80ની સહાય બે મહિના સુધી આપવામાં આવશે. આ ઉપરાંત રાહત દરે ઘાસચારો ઉપલબ્ધ કરાવવામાં આવશે અને જરૂરિયાત પ્રમાણે ઘાસ ડેપો શરૂ કરવા સહિતની વ્યવસ્થા કરવામાં આવશે.દુષ્કાળની સ્થિતિમાં પશુઓ માટે પૂરતો ચારો અને પાણી મળી રહે તે સૌથી મોટો પડકાર હોય છે.આ વ્યવસ્થાથી પશુપાલકોને પશુઓની જાળવણીમાં મદદ મળશે.
મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર પાસે હાલમાં ત્રણ કરોડ કિલોગ્રામ ઘાસચારાનો સ્ટોક ઉપલબ્ધ છે.જરૂરિયાત વધશે તો વધારાનો ઘાસચારો મેળવવાની પણ વ્યવસ્થા કરવામાં આવશે.સરકારનું ધ્યાન માત્ર તાત્કાલિક આર્થિક સહાય પૂરતું સીમિત નથી,પરંતુ આગામી દિવસોમાં પશુઓ માટે ઘાસચારો અને લોકો માટે પીવાના પાણીની અછત ન સર્જાય તે સુનિશ્ચિત કરવા પર પણ રહેશે.દુષ્કાળગ્રસ્ત જાહેર કરાયેલા જિલ્લાઓમાં રોજગારી માટે પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવશે.ગ્રામ્ય વિસ્તારોમાં લોકોને કામ મળી રહે તે માટે જી-રામજી યોજના હેઠળ રોજગારી પૂરી પાડવામાં આવશે. મનરેગા હેઠળ પણ વધારાની રોજગારીની વ્યવસ્થા કરવાની જાહેરાત કરવામાં આવી છે.આ પગલાંથી ખેતીની આવક ઘટી હોય તેવા પરિવારોને આર્થિક ટેકો મળી શકશે.રાહત પેકેજમાં પીવાના પાણીની વ્યવસ્થા, ઘાસચારાની ઉપલબ્ધતા,વીજળીના બિલ અને જમીન મહેસૂલમાં રાહત જેવા મુદ્દાઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.આગામી દિવસોમાં સરકાર દ્વારા સત્તાવાર જાહેરનામું બહાર પાડીને સહાયની પાત્રતા,અરજી પ્રક્રિયા અને અન્ય વિગતો જાહેર કરવામાં આવશે.
જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને કચ્છમાં ઓછા વરસાદને કારણે ખેડૂતો અને પશુપાલકોમાં ચિંતા વધી હતી.હવે રાજ્ય સરકારની જાહેરાતથી આ વિસ્તારોમાં રાહતની આશા ઊભી થઈ છે.જોકે, ઓછા વરસાદની અસર ધરાવતા અન્ય તાલુકાઓને પણ દુષ્કાળ રાહતની યાદીમાં સામેલ કરવાની માંગ ઊઠી રહી છે.ખેડૂતો માટે સહાય સમયસર પહોંચે,ઘાસચારો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ રહે અને રોજગારીની વ્યવસ્થા અસરકારક રીતે અમલમાં આવે તે આગામી દિવસોમાં મહત્ત્વનું રહેશે.


