ઈરાન તરફથી આપવામાં આવેલી ઇન્ટરનેટ કેબલ્સને નિશાન બનાવવાની ધમકી ખાસ ચિંતાજનક છે.હોર્મુઝ સ્ટ્રેટ અને પર્સિયન ગલ્ફનો વિસ્તાર વૈશ્વિક વેપાર તથા ઊર્જા પુરવઠા માટે અત્યંત મહત્ત્વનો છે.આ જ વિસ્તારમાં સમુદ્રની અંદર અનેક કોમ્યુનિકેશન કેબલ્સ પાથરવામાં આવી છે, જે દેશો વચ્ચેના ડિજિટલ સંચાર અને ઇન્ટરનેટ ટ્રાફિક માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડ્સ સાથે સંકળાયેલા અધિકારીઓએ દાવો કર્યો છે કે ઈરાન પાસે આ કેબલ્સ સુધી પહોંચવાની ક્ષમતા છે.હોર્મુઝ સ્ટ્રેટની નીચે આવેલી સાત મુખ્ય ઇન્ટરનેટ કેબલ્સને નુકસાન પહોંચાડવામાં આવે તો અમેરિકા અને તેના સહયોગી દેશોને આર્થિક તથા ટેક્નિકલ મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.સમુદ્રની અંદર પાથરેલી ફાઈબર-ઓપ્ટિક કેબલ્સ વિશ્વના મોટા ભાગના આંતરરાષ્ટ્રીય ઇન્ટરનેટ અને ડેટા ટ્રાફિકને વહન કરે છે.આ કેબલ્સને નુકસાન થાય તો ડેટા ટ્રાન્સફરમાં વિક્ષેપ પડી શકે છે અને કેટલીક જગ્યાએ ઇન્ટરનેટની ઝડપ ઘટી શકે છે.તેની અસર ઓનલાઈન વેપાર,ક્લાઉડ સેવાઓ,બેન્કિંગ વ્યવહારો અને આંતરરાષ્ટ્રીય નાણાકીય વ્યવસ્થાઓ પર પડી શકે છે.
ગલ્ફ દેશો માટે આ જોખમ વધુ ગંભીર બની શકે છે.સાઉદી અરેબિયા,સંયુક્ત આરબ અમીરાત અને અન્ય દેશો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ડેટા સેન્ટર્સ તથા ડિજિટલ અર્થતંત્રમાં મોટા પ્રમાણમાં રોકાણ કરી રહ્યા છે.ઇન્ટરનેટના આંતરરાષ્ટ્રીય જોડાણમાં લાંબો વિક્ષેપ આવે તો ટેક્નોલોજી કંપનીઓ,ડિજિટલ સેવાઓ અને વ્યવસાયિક કામગીરી પર તેની અસર પડી શકે છે.સમુદ્રની અંદરની કેબલ્સનું સમારકામ પણ સરળ નથી.તેના માટે વિશેષ જહાજો, ટેક્નિકલ સાધનો અને અનુકૂળ હવામાનની જરૂર પડે છે.યુદ્ધ કે સુરક્ષાના જોખમ વચ્ચે સમારકામની કામગીરી વધુ મુશ્કેલ બની શકે છે અને કનેક્ટિવિટી પુનઃસ્થાપિત કરવામાં લાંબો સમય લાગી શકે છે.અમેરિકાની સૈન્ય કાર્યવાહી અંગેની ચેતવણી અને ઈરાનની ડિજિટલ માળખાને નિશાન બનાવવાની ધમકીએ સંઘર્ષને નવો વળાંક આપ્યો છે.હવે આ તણાવ માત્ર સૈન્ય મથકો કે તેલ પુરવઠા પૂરતો સીમિત રહેવાનો નથી, પરંતુ વૈશ્વિક ઇન્ટરનેટ વ્યવસ્થા, ડિજિટલ વેપાર અને ટેક્નોલોજી ક્ષેત્ર માટે પણ ગંભીર જોખમ ઊભું કરી શકે છે.


