અમદાવાદ : ગુજરાતમાં લોકડાઉન ૪.૦માં નોન કન્ટેનમેન્ટ ઝોનમાં છૂટછાટ અપાયા બાદ આઠ દિવસની અંદર કોરોનાના ૩૦૮૩ કેસ જ્યારે ૨૨૧ લોકોના મોત થયા છે.જેમાંથી ૧૯૦ મોત અને ૨૧૨૫ કેસ એકલા અમદાવાદમાં નોંધાયા છે.રાજ્યમાં કોરોની સ્થિતિ નિયંત્રણ હોય તેવો દેખાવ ઊભો કરવાની સરકારી તંત્રનો પ્રયાસ નિષ્ફળ ગયો છે.સરકારે છૂટછાટ તો આપી પરંતુ કોરોનાના વધતા કેસ અને મૃત્યુઆંકને અટકાવી શકી નથી તેવું પણ સાબિત થઈ રહ્યું છે.
ગુજરાતમાં દરરોજ સરેરાશ પોણા ચારસો જેટલા કેસ સામે આવી રહ્યા છે.ત્યારે બીજી તરફ સરકાર વધુ છૂટછાટો જાહેર કરી રહી છે.લોકડાઉન ૪.૦માં છૂટછાટ આપ્યા બાદ તંત્ર કોરોનાના વધતા કેસ અને મૃત્યુમાં કોઈ નિયંત્રણ લાવી શક્યું નથી.તેમાં પણ ખાસ કરીને અમદાવાદમાં કોરોનાની સ્થિતિ ખૂબ જ ગંભીર બની ગઈ છે.આ સિવાય વડોદરા અને સુરતમાં પણ કેસોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે.
સરકારી તંત્ર સોશિયલ ડિસ્ટન્સિંગ રાખો,માસ્ક પહેરો અને સાબુ અથવા સેનેટાઈઝરનો ઉપયોગ કરવાની અપીલ કરીને છૂટી જાય છે.પરંતુ વાસ્તવમાં કેસોની સાથે મૃત્યુદર પણ વધી રહ્યો છે.અમદાવાદ જિલ્લામાં એક કંપનીના ચાર કામદારોનું કોરોનાને કારણે મોત થયું હોવાનું સામે આવ્યું છે એટલું જ નહીં,છેલ્લા એક અઠવાડિયામાં બે પોલીસકર્મી મોતને ભેટ્યા છે.ખુદ ભાજપના ડૉક્ટર સેલના ડોક્ટરનું પણ મોત થયું છે.સિવિલના સેંકડો ડૉક્ટર્સ-નર્સો અને પેરામેડિકલ સ્ટાફ પણ કોરોનાની ઝપેટમાં આવી ગયો છે.બીજી તરફ કોરોનાના કેસ ઝીરો થઈ ગયા હોય તેમ તંત્ર દ્વારા અમદાવાદમાં મેંગો ફેસ્ટિવલનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
અમદાવાદમાં કોરોનાને અટકાવવા માટે સરકારે નવા અધિકારીઓ મૂક્યા બાદ જાણે પરિસ્થિતિ સુધરી રહી હોય તેવા દાવાઓ શરૂ થયા હતાં.પરંતુ દરરોજ સામે આવી રહેલા પોઝિટીવ કેસ આવા દાવાઓને ખોટા પાડી રહ્યું છે.આ ઉપરાંત અમદાવાદ શહેરમાં કન્ટેનમેન્ટ ઝોનમાં આવતા હોલસેલ બજારો ખોલવાની પણ જાહેરાત કરી દેવાઈ છે.લોકડાઉન હોવા છતાં પરિસ્થિતિ કાબૂમાં નહીં રહી,તેવામાં લોકડાઉન હળવું કરતા અને હોટસ્પોટ વિસ્તારોમાં હોલસેલના બજારો ખુલતા કોરોનાનો કેટલો કહેર મચાવશે તે જોવું રહ્યું.


