વલસાડ 30 મે : વલસાડના ગુંદલાવ GIDCમાં આવેલી લુમીસેન્સ નામની કંપનીના કામદારો હડતાળ પર ઉતર્યા છે.આજે 150થી વધુ કામદારો પગારને મુદ્દે વિરોધ પર ઉતર્યા હતા.વલસાડ જિલ્લામાં લોકડાઉનને લઈને અનેક કંપનીઓ દ્વારા કામદારોને તેમના વેતન ચૂકવવામાં આવતા નથી.જેના કારણે દિનપ્રતિદિન અનેક કિસ્સાઓ બહાર આવી રહ્યા છે.જેમાં આજે વલસાડના જીઆઇડીસી ગુંદલાવ ખાતે આવેલી લુમીસેન્સ કંપનીના દોઢસોથી વધુ કામદારોને પગાર નહીં ચૂકવતા ગેટની બહાર ઊભા રહી વિરોધ દર્શાવ્યો હતો.
કંપનીના કામદારોની પગારની માગ હતી. જોકે, આ સમયે કંપનીના સંચાલકોએ તેમને પગાર આપવાને બદલે પોતાના ઘર તરફનો રસ્તો બતાવી દીધો હતો.જેને લઇને કામદારોમાં વધુ રોષ ફેલાયો હતો.એક તરફ જ્યાં લોકડાઉનમાં છેલ્લા બે મહિનાથી કામદારોને રોજગાર નથી મળી રહ્યો ત્યારે,કંપની સંચાલકોને સરકાર દ્વારા દરેક મજૂરોને વેતન ચુકવવા માટે કહેવામાં આવ્યું હતું.પરંતુ આ તમામ સૂચનાનું કોઇ પણ કંપનીના સંચાલકો પાલન કરતા નથી. જેના કારણે અનેક કામદારોને વળતર ન મળતાં મુશ્કેલીમાં મૂકાયા છે.આજે બનેલી ઘટનામાં કંપની સંચાલકોએ કામદારોને વેતન ચુકવવા માટે સમય માગ્યો અને તેઓને પોતાના ઘરે જવા કહેતા કામદારોમાં રોષની લાગણી જોવા મળી હતી.નોંધનીય છે કે,વલસાડ જિલ્લામાં દરેક ઉધોગોમાં કામ કરતા કામદારોને લોકડાઉન દરમિયાન પણ પગાર ચુકવવા માટે વહીવટી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.છતાં અનેક કંપનીઓએ કામદારોને વેતન ન આપતા પોતાના હાથ ઊંચા કરી દીધા છે.


