બેઇજિંગ, તા.3 જુન 2020, બુધવાર
સરહદ પર ભારત સામે બાંયો ચઢાવનાર ચીનને હવે ભારતના મીડિયા સાથે પણ વાંકુ પડ્યુ છે.ચીનના સરકારી અખબાર આરોપ લગાવ્યો છે કે, એશિયાની બે મહાશક્તિઓ ભારત અને ચીન વચ્ચે ગેરસમજ પેદા કરવામાં ભારતના મીડિયાની મોટી ભૂમિકા રહી છે.
અખબારે કહ્યુ છે કે,જ્યારે પશ્ચિમના દેશો ઈચ્છે છે કે,ભારત અને ચીન વચ્ચે કડવાશ વધે ત્યારે ભારતનુ મીડિયા ચીનની ટીકા કરવાની હંમેશા તક શોધતુ હોય છે.ભારતના મીડિયામાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનની બેઠકમાં તાઈવાનના સામેલ થવાની તરફેણ કરતુ કવરેજ કરાયુ હતુ.આ ચીનની નીતિ વિરુધ્ધ છે.ભારતનુ મીડિયા ચીન પર નજર રાખતુ હોય છે. ભારતનુ મીડિયા માને છે કે,દક્ષિણ એશિયામાં ચીન કશું પણ પગલુ ભરે તો તે ભારત સામેનુ કાવતરુ જ હોય છે. ચીન પર વધારે પડતુ ફોકસ ભારતીયોની અકળામણ બતાવે છે.ભારત પોતાને દક્ષિણ એશિયામાં નંબર વન માને છે એટલે બીજા દેશોનો વધતો પ્રભાવ જોવા માંગતુ નથી.
અખબારે તો ભારતીયો પર પણ પ્રહારો કરતા લખ્યુ છે કે,ભારતીયો અવસરવાદી માનસિકતા ધરાવે છે.કેટલાય ભારતીયો વિચારે છે કે,અમેરિકા અને ચીન વચ્ચે વધતી જતી સ્પર્ધાના કારણે ભારતને ફાયદો થશે.ભારતીય મીડિયા પશ્ચિમી દેશોના પ્રભાવમાં છે પણ તેનાથી કોઈ ફાયદો નહી થાય.
અખબારે લખ્યુ છે કે,ભારત અને ચીન વચ્ચે ઘણી સમાનતાઓ અને મતભેદો છે.બંને દેશો મતભેદો ઉકેલવા માટે કોઈ રસ્તો શોધે તે જરુરી છે.વૈશ્વિક સંતુલન હાલમાં એશિયા તરફ છે ત્યારે ભારત અને ચીનના સુમેળભર્યા સબંધો બંને દેશોનો પ્રભાવ વધારશે. જો વિવાદ થશે તો પશ્ચિમના દેશો ભારત અને ચીનનુ શોષણ કરશે.


