વલસાડ,04 જૂન : પારડી પોલીસ સ્ટેશનની સામે રેનબસેરા ગેસ્ટહાઉસના સંચાલકનો કોરોનાનો રિપોર્ટ થોડા દિવસો પોઝિટિવ આવતાં વલસાડ સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી.જયાં તેની તબિયત લથડતાં વધુ સારવાર માટે સુરતની હોસ્પિટલમાં ખસેડાયો હતો.જયાં તેમનું મોત નિપજયુ હતું. આ ઘટના અંગે જાણ થતાં પારડી શહેરના લોકોમાં શોકની લાગણી સાથે ચિંતાનું મોજુ ફરી વળ્યુ હતું.પારડી શહેરમાં સ્વાધ્યાય મંડળ રોડ પર રેનબસેરા ગેસ્ટહાઉસના સંચાલક ગફારભાઈનો ગત 26 મેએ કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતા શહેરમાં પ્રથમ કોરોનાનો કેસ નોધાયો હતો.ગફારભાઈ તેમના મિત્ર સાથે ગુજરાતના અન્ય શહેરની ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતા હતાં.ગફારભાઇની તબિયત બગડતા પારડી હોસ્પિટલમાં સારવાર લીધી હતી.જયાં તેમનો કોરોનાનો સંભવિત લક્ષણ જણાતા તેમને સારવાર માટે વલસાડ સિવિલ લઈ જઈ દાખલ કરવામાં આવ્યા હતાં.26 મેએ કોરોના પોઝિટિવ આવતા તેમના સંપર્કમાં આવતા તમામના મેડિકલ ચેકઅપ કરાયા હતાં.તમામને કોરેન્ટાઈન કરાયા હતા.મંગળવારના રાત્રીએ સારવાર દરમિયાન ગફારભાઈની વલસાડ સિવિલમાં તબિયત લથડતાં સુરતની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં.જયાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.
કોરોનાના સંજોગોને લઈ ગફારભાઈની અંતિમ વિધિ સુરત ખાતે કરવામાં આવી હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે.ગફારભાઈના નિધનના સમાચારને પગલે પારડી પંથકમાં ચિંતા સાથે શોકનું મોજું ફરી વળ્યું હતું.વલસાડ જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા કોરોના પોઝિટિવ કેસોના દર્દીઓ જેમના સંપર્કમાં આવ્યા હોય તેવા વ્યક્તિઓના સેમ્પલો લેવાયા બાદ લેબોરેટરીમાં મોકલાયા હતા.જે પૈકીના 61 સેમ્પલનો રિપોર્ટ નેગેટિવ આવતાં રાહત મળી છે.વલસાડ જિલ્લામાં છેલ્લા બે માસથી વધુ સમય ગાળા દરમિયાન કોરોના શંકાસ્પદોના સેમ્પલો લેવામાં આવ્યા હતા.જે પૈકી પોઝિટિવ રિપોર્ટ આવનારાને કોવિડ-19 સિવિલના આઇસોલેશન વોર્ડમાં દાખલ કરી સારવારનો પ્રબંધ વલસાડ આરોગ્ય વિભાગ દ્વારા કરાઇ રહ્યો છે.વલસાડ આરોગ્ય વિભાગે 2 જૂન સુધી 3661 સેમ્પલો લીધા હતા.જે પૈકી 3615ના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા.બુધવારે વધુ 61 સેમ્પલ નેગેટિવ આવ્યા હતા.જેના પગલે આરોગ્ય વિભાગ અને જેમના સેમ્પલ કલેક્ટ કરાયા હતા તેવા વ્યક્તિઓ તેમજ તેમના પરિવારજનોમાં હાશ્કારો ફેલાયો હતો.બુધવારે કોઇપણ કેસ નવો નોંધાયો ન હતો.જિલ્લામાં અત્યાર સુધી કોરોના પોઝિટિવના કુલ 45 કેસ નોંધાઇ ચૂક્યા છે.


