સુરત, 04 જૂન : ગ્રામ્ય કક્ષાએ ઘરેલું હિંસા, છેડતી જેવી પોલીસને લગતી કામગીરીમાં મદદરૂપ થવા તેમજ સ્વચ્છતા તથા સરકારની વિવિધ યોજનાઓની છેવાડાના લોકો સુધી માહિતી પહોંચાડવા બદલ સુરત જિલ્લાની ત્રણ જેટલી મહિલાઓને મહિલા અને બાળ વિકાસની કચેરી દ્વારા ” મહિલા પોલીસ વોલેન્ટીયર” યોજના અંતર્ગત રોકડ પુરસ્કાર આપીને સન્માનિત કરવામાં આવી હતી.જિલ્લા પોલીસ વડા એ.એમ.મુનિયા, નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરી તેમજ મહિલા અને બાળ અધિકારી સુરતનાં હસ્તે રોકડ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યાં હતા.જેમાં પ્રથમ પુરસ્કાર કડોદરા ગામના કૌરબમરા સુખવિંદર પરમજીતસિંહને બાળ અને મહિલાને લગતા કેસોમાં રૂબરૂ હાજર રહીને સારી કામગીરી કરવા બદલ એનાયત કરવામાં આવ્યો હતો.તેમણે દોઢ માસની બાળકીને પોતાની માતા પાસે પહોંચાડી હતી તથા કોલેજમાં છોકરીની છેડતી કરનાર લોકોને અભયમના હવાલે કરી છોકરીને છોડાવી હતી. કડોદરા પોલિસ સ્ટેશન હેઠળ તેમને આવી ઉમદા કામગીરી બદલ તેમને રૂ.1૦,000નો પુરસ્કાર આપવામાં આવ્યો હતો.
બીજો પુરસ્કાર પલસાણા તાલુકાના સાંકી ગામના પટેલ પિન્ટુબેન પરેશભાઈને તેમના સમાજ લક્ષી કાર્યો જેવા કે સ્વચ્છતા અભિયાન,વૃક્ષારોપણ,વિધવા લાભાર્થીઓને સહાય અને લોકોમાં આરોગ્યલક્ષી જાગૃકતા લાવવા માટે તથા સરકારના લાભોને ગરીબો સુધી સાચા માર્ગદર્શન સાથે પહોંચાડવાની ઉમદા કામગીરી બદલ રૂ.5,000નો પુરસ્કાર આપવામાં આવ્યો હતો.આ ઉપરાંત ઓલપાડ તાલુકાના બલકશ ગામના રહેવાશી મહંત અંજનાબેન ઉપેન્દ્રગીરીને મહિલાઓને તથા બાળકોને લગતા ગુન્હાઓમાં તથા કાર્યક્રમોમાં સારી કામગીરી કરવા માટે રૂ.3,000 નો પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.


