સુરત : સુરતમાં ઉધના રેલવે ગરનાળા પાસે દારુનો ધંધો કરીને તંત્રની મહેરથી મોટો થયેલા બુટલેગર કાલુની હત્યા થઈ ગઈ છે.મોડી રાત્રે નવાગામમાં રેલવે ટ્રેક પાસે સાંઈનગર સોસાયટીમાં આવેલા તેના ઘર પાસે જ તેને 9 શખ્સોએ ચપ્પુના ઘા મારી રહેંશી નાખ્યો હતો.કાલુની હત્યામાં મોડી સાંજ પછી ક્રાઈમ બ્રાન્ચે પાંચને ડિટેઈન કર્યા છે,તે બધાનો કોરોના રિપોર્ટ કર્યા પછી ધરપકડ કરવામાં આવી છે.
આ કેસમાં અજ્જુ ઉર્ફે અજય,પવન ઉર્ફે ફર્યો અને રૂપેશનું નામ સામે આવ્યું છે.શંકર નામદેવ નિકમ ઉર્ફે કાલુ વર્ષો પહેલા ભીમનગર વસાહતમાં રહેતો હતો.તેણે ત્યાંથી દારુનો ધંધો શરૂ કર્યો અને ત્યાંથી તે ધીમે ધીમે તંત્રની મહેરથી મોટો થતો ગયો.શનિવારે મધરાત્રે તેની હત્યા કરાઈ હતી.કાલુની લાશને પોસ્ટ મોર્ટમ કરાયું તે પછી જ્યારે તેની લાશ લઈ જવાતી હતી ત્યારે મોટી સંખ્યામાં લોકો આવી પહોંચ્યા હતા.સોશિયલ ડિસ્ટન્સિંગની તો અહીં ધજીયા ઉડી ગઈ હતી.તેના ઘરે પણ આવો જ માહોલ હતો.મોટી સંખ્યામાં ટોળા હતા.તેની અંતિમયાત્રામાં એસઆરપી મુકવામાં આવી હતી પરંતુ ત્યાં સુધી તો લોકોના ટોળાએ સોશિયલ ડિસ્ટન્સિંગ સહિતના નિયમોનો ઉલાળીયો કરી નાખ્યો હતો.
કાલુની અંતિમયાત્રામાં જોડાયેલા 400થી વધુના ટોળા સામે ડિંડોલી પોલીસે બાદમાં ગુનો નોંધ્યો હતો કારણ કે પહેલા તો પોલીસને પણ અંદાજ ન હતો કે આટલી સંખ્યામાં ટોળું આવશે.અહીં દારુના ધંધામાં પોત પોતાના વર્ચસ્વને લઈ લાંબા સમયથી ખેંચતાણ હતી.ક્રાઈમ બ્રાન્ચને આ કેસમાં ગેંગવોર હોવાનું લાગ્યું છે.જોકે હજુ તપાસ ચાલું છે એટલે હજુ શું બીજા વળાંક આવે છે તે જોવું રહ્યું.
કાલુની હત્યામાં પકડાયેલાઓમાં કિરણ ઉર્ફ માયા ઉર્ફ ગટલ્યા અશોક ઠાકરે (20 વર્ષ, રહે.કર્મયોગી સોસાયટી-2, પાંડેસરા), ગુરમુખસિંગ ક્રિપાલસિંગ સરદાર (19 વર્ષ, રહે.કર્મયોગી સોસાયટી-2), સન્ની ઉર્ફ કિશન ઉર્ફ સોન્યા બાપુ પાટીલ (19 વર્ષ, રહે. કર્મયોગી સોસાયટી-2),અક્ષય રવિન્દ્ર પાટીલ (19 વર્ષ, રહે.શ્રીરામનગર, કર્મયોગી-2ની બાજુમાં) અને રાકેશ ઉર્ફ રાકિયા દાદાભાઈ ભામરે (21 વર્ષ, રહે. પંચશીલ નગર-1, ખટોદરા) છે. બનાવના સમયે મારવામાં હતા અને પકડવાના બાકી છે તેમાં શિવમ લામ્બા વાળો, પવન રૂપેશ મરાઠે અને બીજા બે-એક જણા છે.આરોપી કિરણ ઉર્ફ માયા વિરૂદ્ધ કાલુની હત્યા સહિત બે હત્યા મળીને કુલ 11 ગુના છે.આરોપી ગુરમુખસિંગ વિરૂદ્ધ પાંડેસરામાં મારામારીનો અને રાકેશ ઉર્ફ રાકિયા વિરુદ્ધ ચોરી અને દારૂનો ગુનો છે.


