વલસાડ, 10 જૂન : ગૃહમંત્રાલયના આદેશ અને આરોગ્ય વિભાગની એસઓપી બાદ દમણ પ્રશાસને પણ પ્રદેશમાં આવેલા ધાર્મિક સંસ્થાન,હોટલ એન્ડ રેસ્ટોરન્ટને ખુલવા માટે જરૂરી ગાઇડ લાઇન બહાર પાડી છે.દમણમાં બહારગામથી આવનારા ગ્રાહકોએ ઓનલાઇન હોટલનું બુકિંગ કરાવવું પડશે.હોટલ સંચાલક ગ્રાહકોની ચેક ઇન અને આઉટ સહિતની સંપૂર્ણ વિગતો પ્રશાસનને જણાવ્યા બાદ તેમના દમણમાં પ્રવેશ માટેના ઇ પાસ ઈસ્યુ કરશે.દમણ કલેકટરે બહાર પાડેલા જાહેરનામામાં ધાર્મિક સંસ્થાનો, હોટલ એન્ડ રેસ્ટોરન્ટના સંચાલકોએ જે શરતોનો અમલ કરવાનો રહેશે તેની વિગતવાર જાણ કરવામાં આવી છે.બહારગામના રહીશો હવે ઓનલાઇન બુકિંગ કરીને દમણની હોટલમાં રોકાણ કરી શકશે.જોકે,એ માટે સૌથી મહત્વનું છેકે,હોટલ સંચાલકે બુકિંગ કર્યા બાદ ગ્રાહકની તમામ વિગતો પ્રશાસનને આપવાની રહેશે ત્યારબાદ પ્રશાસન જે તે ગ્રાહકના દમણ પ્રવેશ માટેના ઇપાસ ઇસ્યુ કરશે.આવનાર મહેમાનોના વાહનોના જરૂરી સેનેટાઈઝ કરવાના રહેશે.હોટલોમાં આવનારનું થર્મલ સ્ક્રિનિંગ, સેનેટાઈઝ, અને હોટલો અને પરિસરની જરૂરી સ્વચ્છતાનું ધ્યાન રાખવાનું રહેશે.મહેમાનોના જમવાના વાસણો જંતુનાશક દ્રવ્યોથી સાફ કરી પછી તેનો ઉપયોગ કરવાનો રહેશે. હોટલોના રૂમમાં રહેલા મહેમાનોને તેમનું જમવાનું અથવા તો ચા-નાસ્તો તેમના રૂમ સુધી પહોંચતો કરવાનો રહેશે. જે તેમના હાથોમાં આપવાની જગ્યાએ રૂમની બહાર એક ટીપોઈ જેવું રાખી તેની ઉપર જ તેને મુકી આપવાનું રહેશે.કાપડના નેપકિનને બદલે સારી ગુણવત્તાવાળા ડિસ્પોઝેબલ પેપર નેપકિનનો ઉપયોગ કરવાનો રહેશે.અને તેના નિકાલની પણ જરૂરી વ્યવસ્થા ઉભી કરવાની રહેશે.
રેસ્ટોરન્ટ ખુલશે, બિયર બાર નહિ.
દમણમાં બાર સિવાય તમામ હોટલો,રેસ્ટોરન્ટ,મોટેલો,લોજને ખોલવાની છૂટ અપાઇ છે.કન્ટેન્ટમેન્ટ ઝોન સિવાયનાં વિસ્તારોમાં સવારે 7 થી સાંજે 7 સુધી રેસ્ટોરન્ટ ખોલી શકાશે.પાર્સલની ખાદ્ય સમાગ્રીઓ સીધી ગ્રાહકોને આપવાની રહેશે નહીં.રેસ્ટોરન્ટમાં બેસવાની જગ્યાએ હોમ ડિલેવરીને પ્રોત્સાહન આપવાનું રહેશે. હોમ ડિલેવરીના કર્મચારીની રોજે રોજ થર્મલ તપાસ કરવાની રહેશે.રેસ્ટોરન્ટમાં શોશ્યલ ડિસ્ટન્સિંગ સાથે 50 ટકા જેટલી જ બેઠકની વ્યવસ્થા 1 મીટરના અંતર સાથે વ્યવસ્થા ઉભી કરવાની રહેશે.


