મોરબી : મોરબી જિલ્લાનું હળવદનું રાજકારણ હંમેશા ગરમાવો ઊભું કરતું રહ્યું છે.આજે ફરી હળવદના રાજકીય આગેવાનોનો જાહેરમાં તમાશો ચર્ચામાં આવ્યો છે. આજે હળવદ સિવિલ હોસ્પિટલમાં સુરેન્દ્રનગરના સાંસદ ડૉક્ટર મહેન્દ્ર મુંજપરા દ્વારા મુલાકાત લેવામાં આવનાર હતી.જેમાં ધારાસભ્ય પરસોતમ સાબરીયા આવે એ પહેલા જ કાર્યક્રમ શરૂ થઈ ગયો હતો. આ કાર્યક્રમમાં પૂર્વ બીજેપી મંત્રી જયંતિ કવાડિયા ગ્રુપ હાજર હતું.
કવાડિયાનું જૂથ હાજર હતું ત્યારે હળવદના વર્તમાન ધારાસભ્ય સાબરીયાની ગેરહાજરીમાં કાર્યક્રમ શરૂ થઈ ગયો હતો.જે બાદમાં સાબરીયા અને બીજા જૂથના કાર્યકર્તાઓ સામસામે આવી ગયા હતા તેમજ થોડી મારામારી પણ થઈ હતી.ધારાસભ્ય પરસોતમ સાબરીયા અને પૂર્વ મંત્રી જયંતિ કવાડિયાનું જૂથ સામે-સામે આવી જતા અને ઉગ્ર બોલાચાલી થતાં હૉસ્પિટલમાં દાખલ દર્દીઓ બહાર આવી ગયા હતા.
હળવદ સરકારી હોસ્પિટલ ખાતે ભાજપે ભવાળો કરતા લોકોમાં રોષ વ્યાપી ગયો હતો.હળવદમાં ભાજપના બે જૂથ વચ્ચે ચૂંટણી સમયથી ચાલી રહેલી ગરમાગરમીથી રેવન્યૂ અને પોલીસ અધિકારીઓએ ભોગ બનવું પડી રહ્યું છે.સૂડી વચ્ચે સોપારી બનેલા અધિકારીઓએ ભૂતકાળમાં આ મામલે ભોગ બનવું પડ્યું છે.લોકોએ ચૂંટાઈને મૂકેલા લોકો આવી હરકતો કરે ત્યારે ખરેખરે લોકોએ શરમમાં મૂકાવું પડે છે.


