કોરોના મહામારી-લોકડાઉનને કારણે ટેકસ વસુલાતમાં ઘટાડા વચ્ચે કેન્દ્રીય સીધા કરવેરા બોર્ડે પ્રિન્સીપાલ ઈન્કમટેકસ કમીશ્નર સ્તરના અધિકારીઓની બદલીનો ઘાણવો કાઢયો છે. ગુજરાતનો ઈન્કમટેકસ વડાની પણ બદલી થઈ છે.
ગુજરાતના ઈન્કમટેકસના પ્રિન્સીપાલ ચીફ કમિશ્ર્નર અજયદાસ મેહરોત્રાને નિવૃતિ આડે માંડ પાંચ મહિના બાકી છે ત્યારે તેઓની બદલી કરવામાં આવી છે. પશ્ર્ચીમી ઉતરપ્રદેશ તથા ઉતરાખંડના પ્રિન્સીપાલ ચીફ કમિશ્ર્નર બનાવાયા છે.આ સિવાય ઈન્વેસ્ટીગેશન વિભાગના ડાયરેકટર જનરલ અમીત જૈનની પણ બદલી કરવામાં આવી છે. તેઓની મુંબઈ બદલી થઈ છે.
ગુજરાતના નવા ઈન્કમટેકસ વડા તરીકે પ્રિતમસિંઘની નિમણુંક કરવામાં આવી છે. 1985ની બેચના આઈઆરએસ અધિકારી પ્રિતમ સિંઘને ગત જાન્યુઆરીમાં પ્રમોશન મળ્યુ હતું અને મુંબઈમાં ચીફ કમિશ્ર્નર 6 તરીકે ફરજ બજાવતા હતા.તેઓના સ્થાને ગુજરાતથી મેહરોત્રાને મુકાયા છે.
આવકવેરા વિભાગમાં એવી અટકળો હતી કે અમીત જૈનને ગુજરાતના ઈન્કમટેકસ વડા બનાવવામાં આવશે તેના બદલે મુંબઈ બદલી થતા અનેકવિધ ચર્ચા થઈ રહી છે. આ સાથે ગુજરાતમાં ઈન્કમટેકસ ઈન્વેસ્ટીગેશનના ડાયરેકટર જનરલની જગ્યા ખાલી થઈ ગઈ છે.કેન્દ્રીય સીધા કરવેરા બોર્ડના નિવેદન મુજબ ગત જાન્યુઆરીમાં પ્રમોશન મેળવનારા 10 અધિકારીઓની બદલી કરવામાં આવી છે.


