નવી દિલ્હી, તા.2 જુલાઈ 2020, ગુરૂવાર
705 કરોડના નાણાકીય ગોટાળા માટે જીવીકે ગ્રૂપના ચેરમેન જીવીકે રેડ્ડી અને તેમના પુત્ર સંજય રેડ્ડી સામે સીબીઆઈએ ફરિયાદ દાખલ કરી છે.
રેડ્ડી સિવાય સીબીઆઈ દ્વારા આ મામલામાં મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ તેમજ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાની સાથે બીજી કંપનીઓના અધિકારીઓ સાસામે પણ કેસ કરવામાં આવ્યો છે.
આ તમામ લોકો પર 2012 થી 2018 સુધીના સમયગાળામાં સરકારી તિજોરીને નુકસાન પહોંચાડવાનો અને 705 કરોડ રુપિયાનો ગોટાળો કરવાનો આરોપ મુકવામાં આવ્યો છે.ઉલ્લેખનીય છે કે, જીવીકે ગ્રૂપે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા અને બીજી વિદેશી કંપનીઓ સાથે મળીને મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ નામની કંપની બનાવી હતી.જેમાં જીવીકેનો હિસ્સો 50 ટકાથી વધારે છે.
સીબીઆઈએ આરોપ મુક્યો છે કે,2012 થી 2018 સુધીમાં મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટના વધારાના ફંડના પૈસા જીવીકે ગ્રૂપે પોતાની બીજી કંપનીઓમાં રોક્યા હતા.આ રકમ 395 કરોડ જેટલી થવા જતી હતી.એટલુ જ નહી પણ મુંબઈમાં કંપની હોવા છતા વધારાના ફંડના પૈસા હેદ્રાબાદની બેંકોમાં રાખવામાં આવ્યા હતા.

