ગુજરાતમાં ઉપર આભ અને નીચે કોરોના વાઈરસ ફાટયો હોય એમ સૌરાષ્ટ્ર – સુરતમાં આપત્તિએ કાળો કેર વર્તાવ્યો છે. અનલોક-૨ના સળંગ આઠમાં દિવસે ૩૧ જિલ્લાઓમાં રેકોર્ડબ્રેક ૭૮૩ પોઝિટિવ કેસ મળ્યા હતા.આરોગ્ય વિભાગે બુધવારે રાતે જાહેર કરેલી અખબારી યાદીમાં સૌથી વધુ સુરતમાં ૨૭૩ જેટલા ચેપગ્રસ્તો વધ્યાનું કહેવાયુ છે. કોરોના કહેરના ૧૧૩માં દિવસે ગુજરાતમાં કોવિડ-૧૯ના કેસો વધીને ૩૮,૪૧૯એ પહોંચતા જ વધુ ૧૬નાં મોત થતા અત્યાર સુધીમાં કૂલ મૃત્યુઆંક ૧૯૯૫ થયો છે. વડોદરાથી વલસાડ વચ્ચેના ગોલ્ડન ઈન્ડસ્ટ્રિયલ કોરિડોરમાં બુધવારે પણ નવા ૪૦૫ ચેપગ્રસ્તો મળ્યા હતા. દક્ષિણ ગુજરાતમાં ૩૩૮, સૌરાષ્ટ્ર- કચ્છના ૧૦ જિલ્લામાં ૧૨૦ અને અમદાવાદને અડીને આવેલા ગાંધીનગરમાં સહિત ઉત્તર ગુજરાતના છ જિલ્લાઓમાંથી ૬૩ તેમજ મધ્ય ગુજરાતમાં કૂલ ૧૦૯ કેસ વધ્યા છે. જે ગંભીર સ્થિતિ તરફ ઈશારો કરી રહ્યા છે.
મંત્રીમંડળમાં વાઇરસની એન્ટ્રી, રાજ્યકક્ષાના મંત્રી રમણ પાટકર પોઝિટિવ, યુ.એન. મહેતામાં દાખલ
બે દિવસથી તાવની અસરથી પિડાતા રાજ્ય કક્ષાના વન મંત્રી રમણ પાટકરનો ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવતા બુધવારે સવારે કેબિનેટની બેઠકને બદલે તેઓ સીધા જ અમદાવાદ સ્થિત સિવિલ હોસ્પિટલ સંકુલમાં આવેલા યુ.એન. મહેતા હાર્ટ ઇન્સ્ટિટયૂટમા સારવાર માટે દાખલ થયા હતા.આ તરફ ગુજરાત સરકારના મંત્રીને કોરોનાનો ચેપ લાગતા ર્સ્વિણમ સંકુલ-૧ના એન્ટ્રી પોઇન્ટ ઉપર સેનિટાઇઝ ટનલ મૂકી દેવાઇ છે.પાટકર ગત સપ્તાહે મંગળવારે ર્સ્વિણમ સંકુલ-૨મા આવેલી પોતાની ચેમ્બરમાં આવ્યા હતા તેમ તેમના કાર્યાલયે જાહેર કર્યુ હતુ. જો કે, ગુજરાત સરકારના મંત્રી મંડળમાં પણ કોરોના વાઇરસની એન્ટ્રી થતા સચિવાલય અને ભાજપના રાજકિય વર્તુળોમાં ચિંતાનું મોજુ ફ્રી વળ્યું છે. સચિવાલયમાં સેક્રેટરીથી લઇને અત્યાર સુધીમાં ૧૨થી વધુને ચેપ લાગ્યો છે. ગઇકાલે તાવ હોવા છતાંય મંત્રી પાટકર વલસાડથી આવ્યા હતા.
સુરતમાં ૪,સૌરાષ્ટ્રમાં વધુ ૬નાં મોત
અમદાવાદમાં વધુ પાંચના મૃત્યુ થતા કૂલ મૃત્યુઆંક ૧૫૦૧ થયો છે જ્યારે સુરતમાં ચારના મોત સાથે કુલ ૧૯૬નાં મોત થયા છે.રાજકોટમા વધુ ત્રણ સાથે અત્યાર કૂલ ૧૭ દર્દીઓનાં મોત થઈ ચૂક્યા છે જ્યારે અમેરલીમાં ૯મા, જામનગરમાં આઠમાં અને મોરબીમાં ત્રીજા દર્દીનું મૃત્યુ થયુ હતુ.
૯,૧૧૧ સારવારમાં, ૬૭ વેન્ટિલેટર પર
વિતેલા ૨૪ કલાકમાં ૫૬૯ દર્દીઓને ડિસ્ચાર્જ થતા ગુજરાતમાં અત્યાર સુધીમાં ૨૭,૩૧૩ નાગરિકો સાજા થઈ ચૂક્યા છે જો કે,સારવાર હેઠળના એક્ટિવ કેસોની સંખ્યા વધીને ૯,૧૧૧એ પહોંચી છે.જે પૈકી ૬૭ દર્દીઓને વેન્ટિલેટરને સહારે રાખવા પડયા છે.


