સુરત, 17 જુલાઈ : સમગ્ર વિશ્વને બાનમાં લેનારી કોરોનાની મહામારીએ ભારતમાં પણ સામાન્ય માનવીનું જીવવું કઠિન બનાવી દીધું છે.દેશમાં કોરોના ગ્રસ્ત દર્દીઓની સંખ્યા 10 લાખને પાર પહોંચી ગઈ છે અને નિષ્ણાતોના માટે આગામી સમયમાં આ આંકડો ખુબ જ વધે તેવી સંભાવના છે.ગુજરાતમાં પણ કોરોનાએ હાહાકાર મચાવ્યો છે.રાજ્યમાં 45 હજાર કરતા વધુ કોરોના સંક્રમિત દર્દીઓ નોંધાયા છે.રાજ્યમાં દિન પ્રતિ દિન સ્થિતિ બેકાબુ બની રહી છે.જે મુજબ સુરત શહેરમાં કોરોના ગ્રસ્ત વધુ 6 દર્દીઓના મોત સાથે શહેરમાં મૃતકોનો કુલ આંક 350 પર અને શહેર-જિલ્લામાં મૃતકોનો કુલ આંક 400ને પાર કરીને 401 પર પહોંચ્યો હતો.
સુરત શહેરની નવી સિવિલ અને સિવિલ પરીસરમાં આવેલી કોવિડ હોસ્પિટલમાં હાલ 606 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.જેમાંથી 538 દર્દીઓ હાલ નાજુક સ્થિતિમાં છે.538 દર્દીઓ પૈકી 478 દર્દીઓ ઓક્સિજન પર,43 બીપેપ પર અને 17 દર્દીઓ વેન્ટિલેટર પર છે.જયારે શહેરની સ્મીમેર હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઈ રહેલા 184 દર્દીઓ પૈકી 153 દર્દીઓ ગંભીર હાલતમાં છે.જે પૈકી, 153 દર્દીઓ ઓક્સિજન પર,18 બીપેપ પર અને 17 દર્દીઓ વેન્ટિલેટર પર છે.આ આંકડાઓ સૂચવી રહ્યા છે કે તંત્ર ભલે સબ સલામતની વાતો કરે પણ વાસ્તવિકતા એ છે કે સુરત શહેર-જિલ્લામાં કોરોનાનો વિકરાળ પંજો ફરી વળ્યો છે.


