બારડોલી :બારડોલીમાં 18 કરોડના ખર્ચે બની રહેલા સ્ટેડિયમની દીવાલ સામાન્ય વરસાદમાં જ ધરાશાયી થતાં સ્ટેડિયમની કામગીરી કરનાર એજન્સી સામે પ્રશ્નાર્થ ઊભા થયા છે.કામગીરીમાં ગુણવતા બાબતે તપાસ કરવી જરૂરી બની છે.
બારડોલી નગરપાલિકામાં ચાલતા ભ્રષ્ટાચાર બાબતે ભાજપના જ બે જૂથો આમને સામને આવ્યા બાદ પ્રજાના વિકાસના કામો પર કોઈ દેખરેખ રાખવામાં આવતી નથી.જેને કારણે કોન્ટ્રાકટરો આડેધડ કામગીરી કરી રહ્યા હોવાનું બહાર આવી રહ્યું છે.18 કરોડના ખર્ચે બની રહેલ સ્ટેડિયમની ફરતે કમ્પાઉન્ડ વોલ બનાવવામાં આવી રહી હતી જે સ્ટેડિયમની કામગીરીનો જ એક ભાગ છે.આ કમ્પાઉન્ડ વોલ સામાન્ય વરસાદમાં તૂટી જતાં આખા સ્ટેડિયમની કામગીરી સામે પ્રશ્નાર્થ ઊભો થયો છે. સ્ટેડિયમની કામગીરીમાં ગુણવત્તા જળવાઈ રહી છે કે કેમ તે તપાસનો વિષય બન્યો છે.એજન્સી દ્વારા યોગ્ય મટિરિયલ સાથે કામગીરી થાય છે કે કેમ તે પણ તપાસવું રહ્યું. કરોડો રૂપિયાના ખર્ચે સ્ટેડિયમનું નિર્માણ થઈ રહ્યું છે.પરંતુ સામાન્ય વરસાદમાં કમ્પાઉન્ડ વોલ ધરાશાયી થઈ જતાં એજન્સીની કામગીરી સામે શંકા ઉદભવી છે. ત્યારે આ સમગ્ર પ્રકરણમાં હવે યોગ્ય તપાસ થાય તેવી માંગ ઉઠી છે.કારણ કે,જે એજન્સીએ કેનાલ રોડ બનાવ્યો હતો તે જ મારુતિ એન્ટરપ્રાઇઝને આ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે.કેનાલ રોડ બન્યાને થોડા જ સમયમાં તૂટી ગયો હોય આ એજન્સીની કામગીરી પહેલાથી શંકાના દાયરામાં રહી છે.ત્યારે વિપક્ષ આ મામલે એજન્સીને બ્લેક લિસ્ટ કરવાની માંગ કરવામાં આવી રહી છે.
વિપક્ષ દ્વારા આ મુદ્દે તપાસની માંગ કરવામાં આવશે
બારડોલી નગરપાલિકાની વિપક્ષ નેતા કલ્પના પટેલે જણાવ્યુ હતું કે,આ મુદ્દે અમે તપાસની માંગ કરીશું અને નગરપાલિકાના ચીફ ઓફિસર સહિત અન્ય અધિકારીઓને રજૂઆત કરી જરૂર જણાય તો એજન્સી સામે પગલાં લેવાની માંગ કરવામાં આવશે. સામાન્ય વરસાદમાં દીવાલ તૂટી પડે ત્યારે કામગીરી સામે પ્રશ્નાર્થ ઊભા થાય એ સ્વાભાવિક છે.


