ગુજરાત ભાજપના પ્રવક્તા ભરત પંડયાએ જણાવ્યું હતું કે, સી.આર. પાટીલ પ્રદેશ અધ્યક્ષ તરીકે નિયુક્તિ થયા પછી દક્ષિણ ગુજરાતના ડાંગ અને વલસાડના તા.૧૨ અને ૧૩ ઑગષ્ટના પ્રવાસ બાદ હવે તા. ૧૯ થી ૨૨ ઑગષ્ટ દરમ્યાન યોજાનાર સૌરાષ્ટ્ર પ્રવાસ દરમ્યાન ૬ જીલ્લાઓ ગીર સોમનાથ,જુનાગઢ,રાજકોટ શહેર,સુરેન્દ્રનગર અને અમદાવાદ જીલ્લાને આવરી લેવામાં આવશે.
પંડયાએ કહ્યું હતું કે,આ પ્રવાસ દરમ્યાન જુદી-જુદી સંગઠનાત્મક બેઠકો હાથ ધરવામાં આવશે તેમજ કાર્યકર્તાઓ અને જુના જનસંઘના કાર્યકર્તાઓ સાથે મુલાકાત યોજવામાં આવશે.તેમજ કોરોના મહામારી દરમ્યાન કાર્યકર્તાઓએ કરેલ સેવાકાર્યને બિરદાવવાનું કામ પણ આ પ્રવાસ દરમ્યાન કરશે અને ધાર્મિક સ્થાનો પર દર્શન-પૂજા કરશે.
પંડયાએ વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે, આ સૌરાષ્ટ્ર પ્રવાસ દરમ્યાન પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર. પાટીલ સોમનાથ મહાદેવ મંદિર-સોમનાથ,ઉમિયાધામ-ગાંઠીલા,ખોડલધામ મંદિર-કાગવડ તેમજ પૂ. સવૈયાનાથ સવઘણ મંદિર-ઝાંઝરકા સહિતના ધાર્મિક સ્થળોએ દર્શન-પૂજા કરશે અને ગુજરાત અને દેશ કોરોના મહામારીમાંથી સંપૂર્ણ મુક્ત થાય તે માટે પ્રાર્થના કરશે.
આ પ્રવાસ તા. ૧૯ ઑગષ્ટ, બુધવારના રોજ સવારે ૯ કલાકે સોમનાથ મહાદેવના દર્શન બાદ શરૂ થશે. ત્યાંથી વેરાવળ,કેશોદ,વંથલી થઈ જુનાગઢ શહેર પહોંચશે. ત્યારબાદ બીજા દિવસે તા. ૨૦ ઑગષ્ટ, ગુરૂવારના રોજ જેતપુર, ખોડલધામ, ગોંડલ થઈને રાજકોટ મુકામે જશે.તા.૨૧ ઑગષ્ટ, શુક્રવારે સવારે રાજકોટ ખાતે પત્રકાર પરિષદ યોજાશે.ત્યારબાદ સમગ્ર દિવસ દરમ્યાન વિવિધ શ્રેણીની સંગઠનાત્મક બેઠકો યોજવામાં આવશે.
રાત્રી રોકાણ ચોટીલા ખાતે કરીને તા. ૨૨ ઑગષ્ટ, શનિવારના રોજ પ્રવાસના અંતિમ દિવસે ચોટીલાથી ઝાંઝરકા,ધંધુકા,બગોદરા,બાવળા થઈને સુરત જવા રવાના થશે.


